• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

કચ્છમાં સ્ટેમ્પ વેચાણની કામગીરી ઠપ

ભુજ તા. 16 : કચ્છમાં કાનૂની અને સરકારી કાર્યવાહી માટે ઉપયોગમાં લેવાતા સ્ટેમ્પ પાનાં તથા કોર્ટ ફી ટિકિટોનું વેચાણ અટવાતાં સરકારી અને કાનૂની કામગીરી પર ગંભીર અસર પડી રહી છે. જે-તે તાલુકાના નાયબ કલેક્ટર દ્વારા અપાતાં લાયસન્સ પરવાનેદારો દ્વારા આ પ્રકારના સ્ટેમ્પ વેચાતા હોય છે. આવા લાયસન્સોની નાણાકીય વર્ષના અંતે મુદત પૂરી થતી હોય છે જે પરવાના નવા વર્ષના એપ્રિલ માસમાં રેવેન્યુ તંત્ર દ્વારા પહેલા અઠવાડિયામાં જ રિન્યૂ કરી અપાતાં હોય છે, જ્યારે ચાલુ વર્ષે ચૂંટણી કામગીરીને અનુલક્ષીને રેવેન્યુ તંત્ર દ્વારા આ કામગીરી બાકી રાખી દેવાતાં આ ગંભીર પરિસ્થિતિ જિલ્લાભરમાં નિર્માણ થઈ છે.  આ કારણોસર જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કોર્ટ ફી સ્ટેમ્પ સહિતની તમામ સ્ટેમ્પનું વિતરણ બંધ થયું છે જેની અસર સીધી રીતે કાનૂની પ્રક્રિયાઓ પર થાય છે. સામાન્ય અરજીઓ પર ચોંટાડવાની થતી રૂા. 3ની ટિકિટ બજારમાં મળતી બંધ થઈ છે, તેના પરિણામે વકીલો તેમજ સામાન્ય પ્રજાજનોના જે રોજબરોજનાં કામો જેવા કે કોર્ટની મુદત અરજીઓ, સામાન્ય રજૂઆતો, જામીન અરજીઓ, કોર્ટની સિક્યુરિટી ડિપોઝિટો જેવી તમામ મહત્ત્વની કામગીરીઓની સાથે રાશનકાર્ડ, વિવિધ દાખલાઓ, ટાઈમ લિમિટવાળી શૈક્ષણિક યોજનાઓ જેવી મહત્ત્વની કામગીરીઓ આવા સામાન્ય કારણોસર અટવાયેલી છે. ભુજ બાર એસોસીએશન સમક્ષ આવી રજૂઆતો થતાં પરિસ્થિતિની ગંભીરતા જોતાં કચ્છ કલેક્ટર સમક્ષ રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું  કે, આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક લઈ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી તમામ વેન્ડરોના લાયસન્સ રિન્યૂ અંગે જે કોઈ કાયર્વાહી બાકી હોય તે અંગે કલેકટર ક્ષાએથી યોગ્ય સૂચનાઓ આપવા અને આ પરિસ્થિતિ નિવારવા માટે સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ રિન્યૂ કરવા અંગે થતી નિયમ મુજબની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય તેવી રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતમાં બાર એસોસીએશનના પ્રમુખ સચિન મહેન્દ્રભાઈ ગોર, મંત્રી મલ્હાર બૂચ, ઉપ્રમુખ કાનજી ધુવા, જોઇન્ટ સેક્રેટરી મેહુલ ગોસ્વામી અને પ્રફુલ ઠક્કર જોડાયા હતા. 

Panchang

dd