ભુજ, તા. 16 : કચ્છના પશુપાલકો તથા વિજ્ઞાન
પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ! ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટી સંચાલિત શરૂ
થયેલી નવીન વેટરનરી કોલેજને ભારત સરકારે Letter of Permission (LoP) થકી સત્તાવાર મંજૂરી આપી છે. લેટર ઓફ પરમિશન એ કોઈ પણ નવી શૈક્ષણિક
સંસ્થા માટે મહત્ત્વપૂર્ણ તબક્કો ગણાય છે, તે દર્શાવે છે કે કોલેજે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી,
પ્રયોગશાળાઓ અને પ્રેક્ટિકલ તાલીમ માટેની સુવિધાઓ જેવા માપદંડો પૂર્ણ
કરી છે. આ નિર્ણયથી હવે દર વર્ષે 80 વિદ્યાર્થીઓને પશુચિકિત્સક બનવા માટેના B.V.Sc. & A.H. (Bachelor of Veterinary Science and Animal Husbandry) ના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળશે. વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
(VCI) દ્વારા ભુજની વેટરનરી કોલેજનું ગત નવેમ્બર 2025થી માર્ચ-2026ના સમયગાળા
દરમ્યાન તબક્કાવાર નિરીક્ષણ કરાયું હતુ. આ નિરીક્ષણમાં કોલેજે ગુણવત્તાસભર શિક્ષણને
લગતા જરૂરી તમામ માપદંડો પૂર્ણ કર્યા હોવાથી કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગ
તથા વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, ભુજને આ માન્યતા પ્રાપ્ત થઈ છે. આ B.V.Sc. & A.H.ના ડિગ્રી કોર્સમાં વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને NEETની પરીક્ષાના મેરિટ આધારિત
એડમિશન આપવામાં આવે છે. આ સમગ્ર એડમિશન પ્રક્રિયા ઓનલાઈન મોડ થકી હાથ ધરવામાં આવે છે. વધુમાં આ B.V.Sc. & A.H. ડિગ્રી પ્રાપ્ત થયા બાદ
સરકારી, સહકારી અને ખાનગી ક્ષેત્રોમાં કારકિર્દીની અઢળક
તકો ઉપલબ્ધ થાય છે. તદુપરાંત આ કોલેજ માં પશુચિકિત્સાના વિવિધ 18 જેટલા વિષયોમાં માસ્ટર ડિગ્રી
અને પી.એચડી.નો અભ્યાસ પણ થઈ શકે છે. આ મંજૂરીથી કચ્છ અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને
પશુચિકિત્સા ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસની નવી તક મળશે. કોલેજ ખાતેના પશુધન ફાર્મ સંકુલ
ખાતે હાલમાં 400થી વધુ વિવિધ ઓલાદોના પશુઓનો
શૈક્ષણિક હેતુથી નિભાવ કરવામાં આવે છે. કોલેજ સંચાલિત પશુ સારવાર સંકુલ ખાતે કચ્છ અને
આસપાસના પશુપાલકોને પશુઓના સચોટ નિદાન અને સારવાર માટે આધુનિક તકનિકો જેવી કે ડાયગ્નોસ્ટિક
રેડિયોગ્રાફી, હેમેટો એનલાઇઝર,
અલ્ટ્રાસોનોગ્રાફી, એડવાન્સ ડિજિટલ સ્ટેથોસ્કોપ
અને સ્મિયર એક્ઝામિનેશન ઉપલબ્ધ છે, જેના થકી અત્યાર સુધી કુલ
ચાર હજારથી પણ વધુ પશુઓને સચોટ સારવાર પૂરી પાડવામાં આવી છે . શિક્ષણ ઉપરાંત,
વેટરનરી કોલેજ ખાતે પશુપાલન અને પશુચિકિત્સાને લગતા વિવિધ વૈજ્ઞાનિક
સંશોધનો પણ હાથ ધરવામાં છે. વધુમાં કોલેજ ખાતે સ્થાનિક ખેડૂતોને પશુ આરોગ્ય અને ઉત્પાદન
ક્ષમતા સુધારવા માટે નિષ્ણાતોની થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આમ આ ક્ષેત્રના
વિકાસને પણ નવી દિશા મળશે. આ રીતે ભુજ સ્થિત વેટરનરી કોલેજ શિક્ષણની સાથે સાથે સંશોધન,
પશુ સારવાર અને પશુપાલકોને માર્ગદર્શન જેવી તમામ જરૂરિયાતો માટે `વન-સ્ટોપ સોલ્યુશન' તરીકે ઉભરી આવી રહી છે.