• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ગુજરાતમાં સૌથી વધુ વિકાસ કચ્છનો થઈ રહ્યો છે

ગાંધીધામ/દયાપર, તા. 16 : કચ્છને મળેલી પ્રથમ ગાંધીધામ મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આજે ગાંધીધામ અને છેવાડાના દયાપર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચૂંટણીસભા ગજવી હતી. માતાના મઢ ખાતે આઈ આશાપુરા માતાજીનાં દર્શન કરીને મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. દયાપરમાં સવારે કોલેજનો પ્રશ્ન હાલ કરી દેવાની ખાતરી આપી, તો ગાંધીધામમાં મહાનગરનો વિકાસ આયોજનબદ્ધ રીતે આગળ વધશે તેવો કોલ આપ્યો હતો. - કચ્છીઓનો પરિશ્રમ : ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ગાંધીધામ ખાતે આયોજિત સભામાં સંબોધનના આરંભે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે ઊભરાતી ગટર કે તૂટેલા રસ્તાની સમસ્યા  હોય તો આક્રોશ ફેલાય. આ સમસ્યા તો  ઉકેલાઈ જશે, પરંતુ મત આપવામાં કરેલી ભૂલ પાંચ વર્ષ નડશે. તેમણે  કચ્છના વિકાસ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ભૂકંપ, વાવાઝોડાં જેવી કુદરતી આફતોનો સામનો કરીને સૌના પરિશ્રમ, તાકાત સાથે કચ્છ  બેઠું થયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી કચ્છ વિકસિત  જિલ્લો બન્યો છે. વડાપ્રધાનના  નેતૃત્વમાં   રાજ્યમાં માળખાંકીય  સુવિધાના થયેલા વિકાસ અંગે વિસ્તૃતમાં પ્રકાશ પાડતાં તેમણે  કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ  મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થયું છે. આયુષ્માન કાર્ડ યોજના સેવાનું સાધન  હોવાનું કહ્યું હતું. પ્રજાજનોની સેવા કેમ કરવી  તે વડાપ્રધાને  દેશ અને દુનિયાને બતાવ્યું છે. આજે ગુજરાતમાં મેડિકલની 7 હજાર સીટ છે અને જિલ્લા કક્ષાએ મેડિકલ કોલેજ શરૂ કરાતી હોવાનું જણાવી આગામી બે વર્ષમાં  રાજ્યમાં કયાંય પણ તબીબોની કમી નહીં હોય તેવું જણાવ્યું હતું. - બજેટ છ ગણું વધ્યું : મહાનગરમાં  ગ્રીન કવર વધારવા માટે, પાણીની બચત કરવા માટે, સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી, તેમ કહી કોઈ પણ કામ માટે આયોજન સાથે આવોઆજે નહીં તો આવતા વર્ષે થઈ  જ જશે. એક પણ કામ અટકશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું. મહાપાલિકા બનતાની સાથે જ  100 કરોડનું બજેટ 608 કરોડનું થઈ ગયું. હજુ ડબલ એન્જિન સરકારની ગ્રાન્ટ તો બાકી છે તેવું કહ્યું હતું. મુખ્યમંત્રીએ વરસાદી પાણીના સંગ્રહ માટે પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.  - મહાનગરમાં કમળ ખીલશે : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ  વિભાજનની પીડામાંથી ઊભા થયેલાં શહેરને મુખ્યમંત્રીએ મહાનગર બનાવ્યું. લોકશાહીનાં પર્વે  મોટા પ્રમાણમાં કમળ ખીલશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરંચદે ભારત, ગુજરાત અને કચ્છની વિકાસયાત્રા વિશે વાત કરી  મહાપાલિકામાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી  જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આરંભમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં  કહ્યું હતું કે, આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલા  અને મહાનગર બનેલા આ શહેરના તમામ વોર્ડમાં વિકાસની યાત્રા ગતિશિલ બની હોવાનું  કહ્યું હતું. - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ વેળાએ  કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયારાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાજિલ્લા ભાજપ મંત્રી ધવલ આચાર્યજિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મૂળજીભાઈ મ્યાત્રામશરૂભાઈ રબારીમંત્રી રૂપમબેન દેસાઈપૂર્વ સાંસદ પૂનમબેન જાટગાંધીધામ તાલુકા  ભાજપના પ્રભારી આશિકાબેન ભટ્ટગાંધીધામ મહાનગરના પ્રભારી  ઉમેશ સોની,   નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજશ શેઠ, દેવેન્દ્રસિંહ જાડેજાશહેર ભાજપ પ્રમુખ  વિજય પરમારબાબુભાઈ હેઠવાડિયાગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડમાનદમંત્રી મહેશ તીર્થાણી , પૂર્વ પ્રમુખ મહેશ પુજખજાનચી કૈલેશ ગોર, મનજીભાઈ આહીર વિગેરે  મંચસ્થ રહ્યા હતા. સંચાલન મોમાયાભા ગઢવીએ સંભાળ્યું હતું. - દયાપરમાં વચન : દયાપર ખાતે વિકાસ સંકલ્પ સભામાં દયાપર કોલેજનો પ્રશ્ન પણ હાલ થઈ જશે તેવી મુખ્યમંત્રીએ સભામાં ખાતરી આપી હતી. ભાજપ પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે કલાક મોડા પહોંચ્યા હતા. માતાના મઢ આશાપુરા માનાં દર્શન કર્યાં પછી દયાપર ખાતે સભાને સંબોધતાં કહ્યું હતું કે, કચ્છ હવે દુનિયાના નકશામાં છે. ગુજરાતમાં સૌથી વધુ વિકાસ કચ્છ જિલ્લાનો થયો છે. પ્રારંભે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચનમાં ત્રણ તાલુકાના વિવિધ વિકાસકામોની માહિતી આપી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદએ અગાઉના સમયમાં ઉધારા પૈસા લઈ સારવાર થતી તે દિવસો ભુલાઈ ગયાનું કહ્યું હતું. કચ્છના પ્રભારી ફલદુભાઈ ચૌધરીએ કચ્છની ભૂમિ ખમીરવંતી ગણાવી હતી. દયાપર સભામાં લોકો સવારના 10 વાગ્યે આવી ગયા હતા. બપોરે 12 વાગ્યા સુધી મુખ્યમંત્રીની રાહ જોઈ અમૂક થાકેલા લોકો પરત ચાલ્યા ગયા હતા.  ભાજપમાં જોડાનારા કાર્યકરોને આવકાર્યા હતા. આ પૂર્વે માતાના મઢ ખાતે મા આશાપુરાનાં દર્શન કર્યાં પછી જાગીર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં હિતેશ ખંડોલ, રાજેશ પલણ, ભીમજી જોધાણી, ગણપત રાજગોર, નીતિન રૂડાણી, જિ.પં., તા.પં.ના ઉમેદવારો સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યરા હતા. 

Panchang

dd