ભુજ, તા. 16 : મહિલા અનામતના કાયદાના અમલીકરણ
અને સીમાંકનની ભારે ચર્ચા જગાવનારી કવાયતની જોગવાઈ સાથેના મોટા બંધારણીય સુધારા ખરડાને
લઈને ગુરુવારથી લોકસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. સરકાર સીમાંકનનો
પ્રસ્તાવ મૂકી રહી છે, જેમાં લોકસભાની
કુલ બેઠકોની સંખ્યા વર્તમાન 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે, ત્યારે કચ્છના સંસદીય વિસ્તારને નવું
સીમાંકન કેટલી અસર કરશે તે માટે તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. અભ્યાસુઓ તેને ઘણા પરિમાણોથી
મૂલવી રહ્યા છે. વસ્તીનો માપદંડ, વિસ્તારનો ફેલાવો, સરહદી ક્ષેત્રની સંવેદનશીલતા, દેશના સૌથી મોટા જિલ્લા
તરીકેનો દરજ્જો જેવી બાબતો સીમાંકનના નવા દોરમાં ભાગ ભજવશે એવી સંભાવના રહેલી છે. એવું
કહેવાય છે કે, ગુજરાતની બેઠકો 26થી વધીને 39 થઈ શકે છે ત્યારે કચ્છને કોઈ
લાભ થાય છે કે કેમ એ જોવાનું છે. નવી પેઢી માટે અચંબામાં નાખે એવી બાબત એ છે કે, આઝાદી પછી 1952માં યોજાયેલી સર્વપ્રથમ સામાન્ય
ચૂંટણી વખતે કચ્છને લોકસભાની બે બેઠક મળી હતી. લોકસભા માટે કચ્છ તરફથી બે પ્રતિનિધિઓ
હતા. એક બેઠક કચ્છ-પૂર્વ જેમાં ભુજ, અંજાર, ભચાઉ, રાપર તા.નો સમાવેશ
થતો હતો. બીજી બેઠક કચ્છ-પશ્ચિમમાં માંડવી, મુંદરા, નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકા સમાવાયા હતા. જાન્યુ.
1952ની એ ચૂંટણીમાં પૂર્વ બેઠક
પરથી ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા ચૂંટાયા અને પશ્ચિમ બેઠક પરથી ભવાનજી અરજણ ખીમજી ચૂંટાયા.
બન્ને કોંગ્રેસના ઉમેદવાર હતા. કાઉન્સિલ ઓફ સ્ટેટ (રાજ્યસભા)માં કચ્છને એક બેઠક મળેલી.
પ્રેમજી ભવાનજી ઠક્કર 17 માર્ચ, 1951ના ચૂંટાયા, પણ ચાર માસ પછી એમની નિમણૂક કચ્છના એડવાઈઝર
તરીકે થયા પછી લવજી લખમશી ઠક્કરની વરણી કરવામાં આવી હતી, તેઓ
આ પદે માર્ચ 1960 સુધી રહ્યા
હતા. લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી 1957માં થઇ અને ત્યારથી લોકસભાની એક બેઠક કરવામાં આવી હતી. હવે નવા
સીમાંકન પછી જોવાનું રહેશે કે, કચ્છને
લોકસભાની કેટલી બેઠક મળે છે. 2008થી કચ્છ સંસદીય વિસ્તારમાં કચ્છ જિલ્લા સાથે મોરબીને જોડવામાં
આવ્યું. 2009માં એ સીમાંકનનો અમલ થયો. કચ્છ
પ્રદેશની વિશાળ ભૂમિ, આંતરરાષ્ટ્રીય
સરહદ અને વ્યૂહાત્મક મહત્ત્વ સ્વીકારી રાજ્યસભાની એક સીટ કચ્છના આગેવાનને મળતી હતી.
આ એક અલેખિત પ્રણાલી હતી. એ પરંપરા અનંત દવે 1996 સુધી જળવાઈ. એ પછી મૂળ કચ્છી
એવા દિનેશ ત્રિવેદી 1990 અને 2004માં ચૂંટાઈ આવ્યા હતા પણ એ
પછી કચ્છ તરફથી મોં ફેરવી લેવાયું છે. કચ્છનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં મળ્યું નથી.
રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યની સ્થાપના વખતે ગુજરાતના ત્રિદલ તરીકે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને ગણાવી કચ્છની મહત્તા દર્શાવી
હતી. એ ભાવના લુપ્ત થઇ ગઈ છે. એવું જ મંત્રીપદ મળવામાં છે. મહામુંબઈ વખતથી કચ્છને મંત્રીપદ
મળતું હતું અને કેબિનેટ દરજ્જો પ્રાપ્ત થતો હતો એ પણ ઓસરતો ચાલ્યો છે.