• મંગળવાર, 31 માર્ચ, 2026

`વધારાના સમય, ઊર્જા અને ધનનો ઉપયોગ દરિદ્રોની મદદ માટે કરો'

મુંદરા, તા. 30 : `આંખ બંધ કરીને નહીં, આંખ ખોલીને ભગવાનના દર્શન કરો. દરેક દરિદ્ર - જરૂરિયાતમંદ જીવમાં શિવ છે. એની સેવા કરો.' એમ અહીંના જૂના બંદર રોડ સ્થિત દરિયાલાલ મંદિર પાછળ નિર્માણ પામેલા રામકૃષ્ણ સેવા મંડળ સંકુલનું ઉદ્ઘાટન કરતાં આપેલા આશીર્વચનમાં બેલ્લુર રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપપ્રમુખ સ્વામી સુહિતાનંદજીએ કહ્યું હતું. સોમવારે કચ્છભરમાંથી ઉપસ્થિત અનુયાયીઓને વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે, `જાગૃત અવસ્થામાં ભગવાન જુઓ, એટલે કે દરેકમાં ભગવાન છે અને તમારી પાસે રહેલા વધારાના સમય, ઊર્જા અને ધનનો ઉપયોગ તેમની મદદ માટે કરો'. આ પહેલા, ભુજ મઠના સ્વામી સુખાનંદજીએ મુન્દ્રાના આંગણે ઠાકોરના આગમનને રળિયામણી ઘડી ગણાવીને કહ્યું કે, કચ્છએ સ્વામી વિવેકાનંદ અને અખંડઆનંદજીના પગલાથી પાવન ભૂમિ છે અને આજે ઉન્નત પરિવર્તન થયું છે. આ સંકુલમાં વિવેકાનંદજીની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હતી, સાથે પ્રાર્થના હોલ, લાયબ્રેરી, ઇન્ટરનેટની સુવિધા, સ્પર્ધાત્મક પરીક્ષા માટેની સુવિધા તેમજ નિષ્ણાત તબીબો દ્વારા નિ:શુલ્ક હોમિયોપેથી સારવાર સુવિધાનો આરંભ કરાયો હતો. સંચાલન કરતાં સ્વરૂપ મુખર્જીએ કહ્યું કે, બે વર્ષથી મુંદ્રામાં આ પ્રકારના કેન્દ્રનો વિચાર ચાલતો હતો. જે સંતોની ઉપસ્થિતિમાં પરિપૂર્ણ થયો છે. આ પ્રસંગે વિવિધ વરિષ્ઠ સાધુ સંતો રામકૃષ્ણ આશ્રમ સરગાચીના સચિવ સ્વામી વિશ્વમયાનંદજી, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજી, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજી, વડોદરાના સચિવ સ્વામી ઈષ્ટમયાનંદજી, બેલુર મઠના સ્વામી ચંદ્રકાંતાનંદજી, આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજી, રાજકોટના સ્વામી મેધાજાનંદજી, બેલલુરના સ્વામી સેવાત્માનંદજી, વિશ્વહીતાનંદજી, અલીપ્તેશાનન્દજી ઉપસ્થિત રહ્યા હતા. મંડળના સેવાભાવીઓ પ્રમેશ વેદ, સારિકા અગ્રવાલ, પાર્થવ ઘોષ, કિશન ગઢવી, ડો. મનોજ માકાણી વગેરેનું સંતોના હસ્તે સન્માન થયું હતું. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર હરેશ ધોળકિયા, બકુલેશ ધોળકિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd