• મંગળવાર, 24 માર્ચ, 2026

પાપ અને અત્યાચાર વધતાં ધર્મની સ્થાપના માટે પરમાત્મા પૃથ્વી ઉપર અવતરે છે

અંજાર, તા. 23 : શ્રીકૃષ્ણની લીલાભૂમિ વૃંદાવનમાં ફોગલા આશ્રમ ખાતે યજમાન વાસણભાઈ વિશાભાઇ રણમલ માતા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ વ્રજપ્રભા ગ્રંથ પારાયણના ચોથા દિવસે ઉમંગભેર કૃષ્ણ જન્મોત્સવ ઊજવાયો હતો. જેને લઈને આસ્થાળુઓ કૃષ્ણભક્તિમાં લીન બન્યા હતા. કથા વક્તા ત્રિકમદાસજી મહારાજે કૃષ્ણ જન્મોત્સવનું આબેહૂબ વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી ઉપર પાપનું ભારણ વધે અને ભક્તો ઉપર અતિ અત્યાચાર વધે છે, ત્યારે સર્વ યુગોમાં ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. સદ્ગુરુના વચન માત્રથી જીવન ધન્ય બને છે. પૃથ્વીને મનુષ્યની દુષ્ટતાનો ભાર લાગે છે. ભગવાનની ગતિ અત્યંત ગૂઢ હોવાનું કહી તેમણે વાસુદેવજી પણ ત્રિકાળ જ્ઞાની હતા. સંતોના હૃદયમાં પ્રભુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવનું તત્ત્વ વસેલું હોય છે. કૃષ્ણના જન્મ સમયે મથુરાના આકાશ માર્ગ સર્વ દેવતાઓ ભગવાન કૃષ્ણ સ્તુતિ કરી અને પુષ્પોનો વરસાદ વરસાવતા હોવાનો અવિસ્મરણીય પ્રસંગ વક્તાએ  વર્ણવ્યો હતો. વક્તા ત્રિકમદાસજી મહારાજે માતા દેવકી અને વસુદેવજીના લગ્નપ્રસંગ, કંસને પોતાનાં મૃત્યુની આકાશવાણી, વસુદેવ અને કંસ સંવાદમાં વચનનો મહિમા, માતા દેવકી અને વસુદેવજીના સંતાનોનાં કારાગૃહમાં કંસ દ્વારા મૃત્યુ પ્રસંગ, નારદજી અને કંસ સંવાદ, નારદજી અને જોગમાયા સંવાદ, બલભદ્રજીનો જન્મ પ્રસંગ, કંસના ક્રોધનું વર્ણન અને કારાગૃહમાં પ્રવેશ સહિતના વિવિધ પ્રસંગો વર્ણવ્યા હતા. કથાના મનોરથી વાસણભાઈ વિશાભાઈ માતા પરિવાર દ્વારા શાત્રોક્ત રીતે પોથીપૂજન, પૂજા-અર્ચન સાથે ગુરુપૂજન કરાયું હતું. વક્તા ત્રિકમદાસજી મહારાજ અને સાધુ ભગવાનદાસજી મહારાજનાં પૂજન બાદ તેમણે ભજન, કીર્તન, છંદો અને ગોપી ગીતોની રમઝટ બોલાવતાં આખું વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. કૃષ્ણજન્મ પ્રસંગે ઠેર-ઠેર પુષ્પવર્ષા થઈ હતી. મનોરથી પરિવાર અને રસિકજનો કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા. બપોર બાદ કથા વક્તા અને સાધુ ભગવાનદાસજી મહારાજની નિશ્રામાં મનોરથી પરિવાર અને રસિકજનો દ્વારા વૃંદાવનમાં યમુના નદીના કાંઠે ચૂંદડી મનોરથ પૂજન કરાયું હતું.

Panchang

dd