વલસાડ, તા. 23 : વલસાડમાં
કચ્છી ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂા. 35 કરોડના
ખર્ચે ભાનુશાલી સમાજવાડી - ઓધવભવનનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન વાલરામજીની 100મી જન્મ શતાબ્દીએ વંદન કરી
કહ્યું કે, આ
પ્રકારના ભવનનાં નિર્માણથી જ્ઞાતિજનો કે અન્ય લોકોને આધુનિક સુવિધાઓ ઘરઆંગણે મળશે
તેનો પોતાના વતનથી દૂર રહીને ભાનુશાલી મહાજને અહીં વતન જેવો નાતો બાંધ્યો છે તેનો
ગર્વ છે. પૂજ્ય સંત હરિદાસ મહારાજની પ્રેરણાથી આપણે ત્યાં ગુપ્તદાનનું આગવું
મહત્ત્વ છે. દાન એવું હોવું જોઈએ કે, એક હાથથી દાન આપીએ તો
બીજા હાથને ખબર પણ ન પડે. આપણી પ્રાચીન દાન પરંપરાને ભાનુશાલી સમાજે સાર્થક કરી
છે. ભગવાન ઓધવરામજી મહારાજનું જીવન સમાજ માટે સમર્પણનું જ્વલંત ઉદાહરણ છે.
ઓધવભવનના સૌ દાતાઓ અને કચ્છી ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્ટને મુખ્યમંત્રી શ્રી પટેલે
અભિનંદન આપ્યા હતા. ગુરુ ઓધવરામજીએ પણ તેમના સમયમાં સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો
હતો. આધ્યાત્મિકતા સાથે ધર્મપરાયણ જીવન જીવીને લોકકલ્યાણ માટે પ્રવૃત્તિશીલ
રહેવાનો સેવાયજ્ઞ ગુરુ ઓધવરામજીએ પ્રગટાવીને સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી છે.
મુખ્યમંત્રીએ ગુરુ વાલરામજીની પ્રેરણા વિશે જણાવતાં કહ્યું હતું કે, સમાજના ઉત્થાન માટે તેમણે છાત્રાલયો, પાઠશાળાઓ,
કોલેજો, કન્યા શાળાઓની સ્થાપના માટે પ્રેરણા
આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હરિદાસજી મહારાજની
પ્રેરણાથી ભગવાન વાલરામજી શતાબ્દી મહોત્સવ અંતર્ગત સનાતન સંસ્કૃતિની જાગૃતિ માટે
કચ્છથી લઈ મુંબઈ સુધી વિવિધ ગામોમાં 15થી વધુ ઓધવ મંદિરો બનાવવાનો
સંકલ્પ કરવામાં આવ્યો છે. સંત હરિદાસજી મહારાજે મુખ્યમંત્રીને સાચા અર્થમાં
મૃદુભાષી મુખ્યમંત્રી ગણાવીને કહ્યું કે,
શાસક નિર્ભિક હોવો જોઈએ અને તે ભૂપેન્દ્રભાઈએ સાબિત કર્યું છે.
ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસે આશીર્વચન આપ્યા હતા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના
વિસ્તારમાં ઊભી થયેલી સુવિધા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ અને વલસાડના પ્રભારી
મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ
ધવલભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, સમાજના ગુરુ હરિદાસજી મહારાજ, ગુજરાત પ્રદેશ સંગઠન
મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી હેમંત
કંસારા, કલેકટર ભવ્ય વર્મા, જિલ્લા
વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પોલીસ અધીક્ષક યુવરાજસિંહ
જાડેજા, કચ્છી ભાનુશાલી મિત્રમંડળ વલસાડના પ્રમુખ કાંતિભાઈ
ભદ્રા, સેવા સમાજના પ્રમુખ ડો. હર્ષદ મંગે, દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી, દાતા
દીપેશભાઈ ગજરા પરિવાર, દેવજીભાઈ નંદા, કચ્છી
આશ્રમના ટ્રસ્ટીઓ પઠાઈભાઈ ભાનુશાલી, તુલસીભાઈ દામા, સેવા સમાજ મુંબઈના ટ્રસ્ટી ભાવેશ ભાનુશાલી, રણછોડ
ભાનુશાલી, કનૈયાલાલ ભાનુશાલી, દીપક
કટારિયા, ભરત ઠક્કર, હરિભાઈ ભાનુશાલી,
ગોવિંદ ભાનુશાલી, ખીમજીભાઈ ભદ્રા ઉપસ્થિત
રહ્યા હતા. પ્રારંભમાં વાડીના મુખ્યદાતા દીપેશભાઈ ગજરા પરિવારે મુખ્યમંત્રીનું
સ્વાગત કર્યું હતું. દરમ્યાન અહીં કથાકાર શરદભાઈ વ્યાસની વ્યાસપીઠે ભાગવત કથાનું
પણ આયોજન કરાયું છે, તો આગલા દિવસે ઓધવ મહારાસમાં દૂર-દૂરથી
કચ્છી ભાનુશાલી જ્ઞાતિની બહેનોએ ભાગ લીધો હતો. સંતવાણી વગેરેના કાર્યક્રમો,
પૂ. હરિદાસજી મહારાજના દૈનિક સત્સંગ પણ યોજાઈ રહ્યા છે.