મુંદરા, તા. 21 : ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે
અને ઊર્જાની ખપત પૂરી કરવી દેશ માટે ચિંતાનો વિષય છે, ત્યારે સારા સમાચાર મળ્યા છે. ટાટા પાવરે આજે
એક નિવેદનમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકારે
ટાટા પાવરની પેટા કંપની, કોસ્ટલ ગુજરાત પાવર દ્વારા સંચાલિત તેના
ચાર ગીગાવોટની ક્ષમતાના મુંદરા પ્લાન્ટને ફરીથી શરૂ કરવા માટે કંપની સાથે વીજ પુરવઠો
કરાર - પીપીએને મંજૂરી આપી દીધી છે. `ગુજરાત કેબિનેટે પૂરક પીપીએને મંજૂરી આપી છે અને સરકારી આદેશ
જારી કરવામાં આવ્યો છે. નિયમનકારી મંજૂરીઓ પછી, કંપની અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. કરાર પર હસ્તાક્ષર કરશે' ટાટા પાવરે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. માધ્યમોના હેવાલ મુજબ
પીપીએની શરતો એવી છે કે, ટાટા પાવર તેના પ્લાન્ટમાંથી ગુજરાતને
લાંબા ગાળાનો વીજ પુરવઠો ફરી શરૂ કરશે. ટાટા પાવરનો મુંદરા પ્લાન્ટ ટૂંક સમયમાં પૂર્ણ
ક્ષમતાથી ચાલશે અને તેના અત્યાર સુધીના અંદાજે રૂ. 1,000 કરોડનાં નુકસાનને પણ ભરપાઈ
કરવાની અપેક્ષા રાખે છે. આ સાથે એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, ટાટા પાવર મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા અન્ય રાજ્યો સાથે પણ
સમાન પીપીએ પર હસ્તાક્ષર કરશે તેમજ આગામી થોડા અઠવાડિયામાં આ સોદાઓ પૂર્ણ કરશે. મુંદરા પ્લાન્ટ અંગે કરાર કરવા માટે ગુજરાત સરકાર
સાથેની ચર્ચા પૂર્ણ કરી છે. અમે કદાચ અન્ય રાજ્યો સાથે ચર્ચા શરૂ કરીશું, જેથી અમે કદાચ આ મહિના ફેબ્રુઆરીના અંત સુધીમાં પ્લાન્ટનું સંચાલન શરૂ કરવાની
સ્થિતિમાં હોઈએ, એમ ટાટા પાવરના સીઈઓ અને એમડી પ્રવીર સિંહાએ
ડિસેમ્બર ક્વાર્ટર પછી પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું. નવા પીપીએમાં કોલસા માટેના
ખર્ચને પાસ કરવાની મંજૂરી મળી છે. અગાઉ ઉચ્ચ ઇંધણ ખર્ચને કારણે વીજળી મંત્રાલયે કટોકટી
વળતર પાછું ખેંચી લીધા પછી ચિંતાનો વિષય હતો. મુંદરા પ્લાન્ટ ઈન્ડોનેશિયાથી આયાતી કોલસા
આધારિત હતો અને ગયા વર્ષે, વીજ મંત્રાલયે કલમ 11 હેઠળ ઊંચા ઇંધણ ખર્ચ માટે કટોકટી
વળતર પાછું ખેંચી લીધા પછી તેને બંધ કરવો પડયો હતો. ઇન્ડોનેશિયાએ કોલસાની નિકાસ પર
ડયુટી લાદ્યા પછી ટાટા પાવરને વધારાનો ખર્ચ આવતાં સમસ્યા ઊભી થઈ હતી.