• રવિવાર, 22 માર્ચ, 2026

ઈરાનના નતાંજ અણુમથક પર ભીષણ હુમલો

નવી દિલ્હી, તા. 21 : મધ્ય-પૂર્વમાં 22 દિવસથી ચાલી રહેલાં દાહક યુદ્ધની આગ આજે હિન્દ મહાસાગર સુધી પહોંચી ગઇ હતી. ઇરાને શનિવારે હિન્દ મહાસાગર સ્થિત અમેરિકા અને બ્રિટનના સૈન્ય વોઝ ડિએગો ગાર્સિયા પર બે બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ દુબઇમાં પણ જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા. બીજી તરફ, અમેરિકા અને ઇઝરાયલે ઇરાનના નતાંજ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો કર્યો હતો. આ મથક પર મોટા પાયે બોમ્બમારો કરાયો હતો. રશિયાએ આ હુમલાની ટીકા કરી છે તો ઈઝરાયલે કહ્યું છે કે, હુમલો અમેરિકાએ કર્યો છે.  નતાંજ ઇરાનનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે. પરમાણુ કેન્દ્ર પર હુમલાના સમાચારથી સૌ કોઇના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા, પરંતુ સદ્ભાગ્યે કોઇ રેડિયેશન લીકેજનું જોખમ ટળી ગયું હતું. ઇરાને આ કૃત્યને ક્રૂર હુમલો લેખાવતાં કહ્યું હતું કે, પરમાણુ કેન્દ્ર પર હવાઇ હુમલા કરીને નિશાન સાધવું એ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે અગાઉ પણ નતાંજ મથકને નિશાન બનાવ્યું હતું. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, ઇરાની ક્ષેત્રથી લગભગ ચાર હજાર કિલોમીટર દૂર સ્થિત ડિએગો પર કરાયો તે અત્યાર સુધીનો સૌથી મોટો અને દુર્લભ હુમલો છે. જો કે, અમેરિકી અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, એક મિસાઇલ ઉડાન વચ્ચે જ નિષ્ફળ થઇ ગઇ હતી, જ્યારે બીજી મિસાઇલને અમેરિકી યુદ્ધ જહાજ પરથી છોડાયેલાં ઇન્ટરસેપ્ટરે હવામાં તોડી પાડી હતી. ઇરાન દ્વારા છેક ડિએગો ગાર્સિયાને નિશાન બનાવવાનું પગલું સૈન્ય જાણકારોએ ચિંતાજનક લેખાવ્યું છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, ઇરાનના મિસાઇલોની રેન્જ સીમિત છે, પરંતુ ચાર હજાર કિલોમીટર સુધી દૂર હુમલાની કોશિશ એવો સંકેત આપે છે કે, ઇરાન હવે યુ સેપમાં સ્થિત ઠેકાણાંઓ પર પણ નિશાન સાધવાની તાકાત ધરાવે છે. ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મરની ટીકા કરતાં કહ્યું હતું કે, સ્ટાર્મર પોતાના જ લોકોની ઇચ્છા વિના બ્રિટિશ ઠેકાણાંઓના ઇરાન પર આક્રમણ માટે ઉપયોગની છૂટ આપી રહ્યા છે. ઇરાની મંત્રીએ ચેતવણી આપી હતી કે, આવાં કૃત્યથી બ્રિટિશ નાગરિકોના જીવ જોખમમાં મુકાઇ શકે છે. ઇરાન પોતાના આત્મરક્ષણના અધિકારનો ઉપયોગ કરશે. 

Panchang

dd