આડેસર, તા. 21 : આધુનિક યુગમાં ચકલીઓને નામશેષ થતી બચાવવા વિવિધ સંસ્થાઓ દ્વારા
વ્યાપક પ્રયાસ કરાઈ રહ્યા છે. બનાસકાંઠા તરફથી કચ્છમાં આવતાં જ આડેસર ચેકપોસ્ટ ઉપર ચકલી સહિતનાં પક્ષીઓના સંવર્ધન માટે
પોલીસ કર્મીઓ દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે. આડેસર પોલીસ સ્ટેશન હેઠળ આવતાં આડેસર ચેકપોસ્ટ
ઉપર ચકલીઓનાં જતન માટે આડેસર પીઆઈ વી.એ. સેગલ તથા પોલીસ કર્મચારીઓ રાત-દિવસ પોલીસ ચેકપોસ્ટ
પર આવેલાં ઝાડ તથા ભુંગાની ચારેતરફ ચકલીઓનાં જતન માટે ચકલીઘર તથા પાણીના કૂંડાં ટીંગાડયાં
છ.ઁ સખત ઉકળાટભર્યા વાતાવરણ તથા રાત-દિવસ વાહનોના અવાજ વચ્ચે ચેકપોસ્ટ પર ચકલીઓ, કાબર તથા અન્ય પક્ષીઓનું જતન કરવામાં આવે છ.દરરોજ
સવારે પોલીસ કર્મચારીઓ ચકલીઓને ચણ તથા કૂંડાંમાં પાણી નાખવાની કામગીરી કરી પછી જ ફરજ
પર ચડે છે. અબોલ જીવોની સેવા સાથે ફરજ બજાવે છે. વહેલી સવારે અને સાંજે ચકલીઓનાં ટોળાંનું
ચીં...ચીં...ચીં...નો મધુર અવાજ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને આનંદિત કરે
છે. આ અંગે પીઆઈ વી.એ. સેગલે કહ્યું હતું કે, ચેકપોસ્ટ પાસે પાણીનો
અવાડો તથા ઘાસચારો તથા પક્ષીઓને ચણ પાણી નાખવામાં આવે છે. નજીકમાં રણપ્રદેશ હોવાથી
ગરમ હવા તથા લૂને લીધે અબોલ જીવોને રાહત રહે છે. પોલીસ કર્મચારીઓએ ભુંગાની ચારેબાજુ
ચકલીઘર લગાવ્યાં છે, જેમાં દર વર્ષે ચકલીઓ ઈંડા સેવી બચ્ચા ઉછેરે
છે, તો અમુક ચકલીઓ અને બચ્ચાં પોલીસ કર્મચારીઓની નજીક જમવાના
સમયે આવી રોટલી, રોટલા તથા ભાતનું ભોજન કરી મધુર સ્વરમાં આનંદ લે છે. પોલીસ કર્મચારીઓની પ્રકૃતિ
પ્રત્યેની માવજતને લોકો બિરદાવી રહ્યા છે.