• રવિવાર, 22 માર્ચ, 2026

યુદ્ધ રોકવા ઈરાને ભારતની મદદ માગી

નવી દિલ્હી, તા. 21 : `મહાયુદ્ધ'થી તાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝશ્કિયાનને ફોન કરીને ઈદ તેમજ નવરોજની વધામણી આપી હતી અને તહેવારના સારા દિવસોમાં પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા આવશે, તેવી આશા પણ દર્શાવી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને બ્રિક્સની ભારત પાસે વારાફરતી મળતી અધ્યક્ષતાના ઉલ્લેખ સાથે યુદ્ધ રોકવા માટે બ્રિક્સ અને ભારતને મદદની અપીલ કરી હતી. યુદ્ધ ખતમ કરવા માટે સૌથી પહેલી શરત એ છે કે, અમેરિકા અને ઈઝરાયેલ તરત આક્રમકતા રોકે. સાથોસાથ ભવિષ્યમાં આવું નહીં કરવાની ગેરંટી પણ આપે. પેજેશકિયાને બ્રિક્સને અપીલ કરી હતી કે, ઈરાન સામે આક્રમકતા રોકે અને ક્ષેત્રિય, વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની રક્ષા કરવા માટે સ્વતંત્ર ભૂમિકા ભજવે. મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં તેલ, ગેસ, વીજળી જેવાં મહત્ત્વનાં ઈંધણોવાળાં ક્ષેત્રો પર હુમલાને અયોગ્ય લેખાવ્યા હતા. ભારતના વડાપ્રધાને મસૂદને કહ્યું હતું કે, સમુદ્રીમાર્ગો સુરક્ષિત અને ખુલ્લા રહેવા જોઈએ. ઈંધણ ઉત્પાદન કરતાં તેલ-ગેસ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો પર હુમલાથી દુનિયાભરના વેપાર પર અસર પડે છે, તેવું મોદીએ કહ્યું હતું. સાથોસાથ ઈરાનમાં વસી રહેલા ભારતીયોની સુરક્ષામાં મદદ માટે મોદીએ મસૂદનો આભાર માન્યો હતો. 

Panchang

dd