નવી દિલ્હી, તા. 21 : મધ્ય-પૂર્વનાં
યુદ્ધમાં ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતાં દુનિયાભરમાં તેલસંકટ સર્જાયું છે, ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવા માટે
22 દેશ ઈરાન વિરુદ્ધ એક થયા છે
અને એક સંયુક્ત નિવેદનમાં આ નિર્ણાયક ખાડી બંધ કરવાના નિર્ણયની ટીકા કરી છે અને તાત્કાલિક
હોર્મુઝ ખોલવા અપીલ કરી છે. આમાં મોટાભાગના યુરોપિયન દેશો તેમજ સંયુક્ત આરબ અમીરાત
(યુએઈ) અને બહેરીન જેવા ખાડી દેશોનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાને નિ:શત્ર વાણિજ્યિક જહાજો પર હુમલો કર્યો
છે. તેલ અને ગેસ જેવાં નાગરિક માળખાંને નિશાન બનાવ્યાં છે અને ઈરાની દળો દ્વારા સ્ટ્રેટની
વાસ્તવિક નાકાબંધી લદાઈ છે. આ કૃત્યને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવતાં દેશોએ
માંગ કરી છે કે, ઈરાન તાત્કાલિક તેની ધમકીઓ, ડ્રોન અને મિસાઈલ હુમલાઓ અને શાપિંગને અવરોધિત કરતી અન્ય કાર્યવાહી બંધ કરે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસ વેપાર માટે એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. તેના
બંધ થવાથી વૈશ્વિક ઊર્જા પુરવઠા શૃંખલા પર ઊંડી અસર પડી રહી છે. એ સાથે જ 22 દેશે એવા દેશોની પ્રતિબદ્ધતાને
આવકારી હતી, જેઓ પહેલાંથી જ યોગ્ય તૈયારીઓ
કરી ચૂક્યા છે. નિવેદનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને આ કટોકટીના ઉકેલ માટે સાથે મળીને
કામ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી વૈશ્વિક ઊર્જા બજારો સ્થિર
રહે. યુએન સુરક્ષા પરિષદના ઠરાવોને ટાંકીને આ દેશોએ ઈરાનને મુક્ત નેવિગેશનના સિદ્ધાંતનું
પાલન કરવા હાકલ કરી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને પશ્ચિમી દેશો
વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને ઘણા જહાજો ગલ્ફ ક્ષેત્રમાં ફસાયેલા છે. આ સંયુક્ત નિવેદન બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી,
નેધરલેન્ડ, જાપાન, કેનેડા,
દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક, લાતવિયા, સ્લોવેનિયા,
એસ્ટોનિયા, નોર્વે, સ્વિડન,
ફિનલેન્ડ, ચેકિયા, રોમાનિયા,
બહેરીન અને લિથુઆનિયા દ્વારા જારી કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં કેટલાક
મુખ્ય દેશો દ્વારા શરૂ કરાયેલ આ નિવેદનમાં પાછળથી અન્ય રાષ્ટ્રો પણ જોડાયા,
જેનાથી કુલ સંખ્યા 22 થઈ ગઈ. આ દેશોએ ઈરાનનાં પગલાંને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા
માટે ખતરો ગણાવ્યા છે અને તેમણે ઊર્જા બજારને સ્થિર કરવા માટે આંતરરાષ્ટ્રીય ઊર્જા
એજન્સી (ઈંઊઅ) દ્વારા વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર મુક્ત કરવાની પ્રશંસા કરી અને વધુ
પગલાં લેવાનું વચન આપ્યું છે. નિષ્ણાતો માને
છે કે, હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ વૈશ્વિક અર્થતંત્ર
માટે ગંભીર પડકાર ઊભો કરે છે. તેલના ભાવમાં વધારો થયો છે, જેનાં
કારણે ઘણા દેશોમાં ઈંધણ મોંઘું થયું છે.