• રવિવાર, 22 માર્ચ, 2026

દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ

નવી દિલ્હી, તા. 21 : દેશભરમાં 100 નવી સૈનિક સ્કૂલ ખૂલશે. સાથોસાથ કેડેટ્સની સંખ્યા વધારીને એનસીસીના વ્યાપનો પણ વિસ્તાર કરાશે, તેવી મહત્ત્વની ઘોષણા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કરી હતી. સૈનિક સ્કૂલ ઘોડાખાલના હીરક જયંતી સમારોહને સંબોધતાં રાજનાથે જણાવ્યું હતું કે, એનસીસીમાં ભરતી માટે લક્ષ્ય 17 લાખ હતું, જે વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. એનસીસીનો વ્યાપ વધવાથી વધારે બાળકોને રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી સંસ્કારનાં સિંચનનો લાભ આપી શકાશે, તેવું તેમણે કહ્યું હતું. સંરક્ષણમંત્રીએ એલાન કર્યું હતું કે, સરકાર જાહેર-ખાનગી ભાગીદારીથી મોડેલ મારફતે દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ ઊભી કરવા જઇ રહી છે. આવી સંસ્થાઓ માત્ર સંરક્ષણ સેવાઓ માટે જ યુવાનોને તૈયાર નથી કરતી, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકા માટે પણ સક્ષમ બનાવે છે. સંરક્ષણમંત્રીએ સૈનિક સ્કૂલોમાં કન્યાઓને પ્રવેશ આપવાની છૂટ આપતાં કેન્દ્ર સરકારના ફેંસલાને ઐતિહાસિક, ક્રાંતિકારી લેખાવ્યો હતો. આ પહેલ મહિલા સશક્તિકરણનાં ક્ષેત્રમાં સીમાચિહ્ન બનશે. મહિલા કેટેટ્સનાં પ્રદર્શને આવા હેતુ સાર્થક કર્યા છે. 

Panchang

dd