મહેશ સોની દ્વારા : માધાપર (તા. ભુજ), તા. 21 : રામાયણ એ સંવાદનું શાત્ર છે. કથાનું શ્રવણ એ હંમેશાં લોકોને જોડવાનું કામ કરે છે, તેવું માધાપર ખાતે 44 વર્ષ બાદ આયોજિત રામકથાના પ્રારંભે જાણીતા રામાયણી કથાકાર પૂ. મોરારિબાપુએ જણાવી કચ્છની ધરતીને સંતો અને શૂરવીરોની ભૂમિ ગણાવી હતી. મુખ્ય મનોરથી ધીરેશ મનજી દબાસિયા પરિવાર આયોજિત રામકથાના પ્રારંભે રઘુનાથજી મંદિરેથી વિશાળ પોથીયાત્રા નીકળી હતી. પૂજારી લાલા મારાજે કથાની પોથી ભગવાન શ્રીરામના શરણે મૂકી હતી. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી કથાનો પ્રારંભ કરાવતાં કચ્છની ધરા પર જ્યારે જ્યારે કથા માટે આવવાનું થાય છે, ત્યારે મનમાં પ્રસન્નતાનો ભાવ જાગતો હોવાનું કહ્યું હતું. મનોરથી પરિવારની ભાવનાને બિરદાવતાં પૂ. બાપુએ કહ્યું કે, તેઓ અનેક લોકોને રામકથા શ્રવણ કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ખીચોખીચ ભરાયેલા કથામંડપમાં મોરારિબાપુએ માધાપરની આ કથાને માનસ મુકુરાષ્ટક કથાનું નામ આપ્યું હતું. તેનો અર્થ સમજાવતાં મોરારિબાપુએ કહ્યું કે, આ કથાનાં માધ્યમથી માનસ સરિતાણું દર્પણ કરાવવાનું છે. માધાપરમાં 25 કરોડના ખર્ચે રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, તે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ગોરસિયા ફાર્મ ખાતે આયોજિત રામકથાના પ્રારંભ સાથે મોટી સંખ્યામાં ભાવિકો કથાશ્રવણ માટે પહોંચ્યા હતા. - સંતો, મહંતો, અગ્રણીઓના હસ્તે પ્રારંભ : કથાનો દીપ પ્રગટાવી સંતો-મહંતો અને રાજકીય-સામાજિક અગ્રણીઓએ પ્રારંભ કરાવ્યો હતો. ધ્રંગના મૂળજીદાદા કાપડી, મોરજરના દિલીપરાજા કાપડી, સ્વામી પ્રદીપ્તાનંદજી, હિંગરિયાના કલ્યાણદાસજી મહારાજ, મોરબીના શ્રીરામ મારાજ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ તેમજ માધાપરની વીરાંગના બહેનો દીપ પ્રાગટય વિધિમાં જોડાઇ હતી. - પોથીયાત્રામાં ભાવિકો જોડાયા : કથાના પ્રારંભે યજમાન પરિવાર પોથીને રઘુનાથજી મંદિરે લઇ ગયા હતા, જ્યાં પોથીને શ્રીરામના ચરણે ધરી પૂજન કરાયું હતું. આ બાદ વાજતે-ગાજતે નીકળેલી પોથીયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમાજરત્ન વિનોદભાઇ સોલંકી, રઘુનાથ મંદિરના પ્રમુખ વેલજીભાઇ ભુડિયા, માધાપર નવાવાસ સરપંચ વાલજીભાઇ ડાંગર, ટ્રસ્ટી વિશ્રામ હીરાણી, દેવજી ભુડિયા, ગોવિંદ નગાડિયા, પ્રકાશ ગોરસિયા તેમજ મુખ્ય મનોરથી દબાસિયા પરિવાર દ્વારા મોરારિબાપુનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. વિનોદભાઇ સોલંકીએ યજમાન પરિવારનું સન્માન કરી આ નેક કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. - પોથી પર પુષ્પવર્ષા : પોથીયાત્રા જ્યારે કથામંડપ પહોંચી ત્યારે પુષ્પવર્ષાથી તેનું સ્વાગત કરાયું હતું. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી સૌને વંદન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. - સાચાં મનથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે : મનોરથી ધીરેશ મનજી દબાસિયાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, સાચાં મનથી કરેલો સંકલ્પ હંમેશાં સિદ્ધ થાય છે. ધંધાર્થે લંડન વસતા ધીરેશભાઇએ માતૃભૂમિમાં કથા કરવાનો અવસર મળ્યો તેને અહોભાગ ગણાવી રામકથાના યજ્ઞને પાર પાડવામાં સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો, તો શાંતિદાસજી મહારાજે આશીર્વચન પાઠવતાં માધાપરમાં પોતાની કથારૂપી અમૃત વાણીનો લાભ આપવા બદલ મોરારિબાપુનો આભાર માન્યો હતો. ધીરેશભાઇએ કહ્યું કે, સૌના સાથ-સહકારથી આ કાર્ય સંપન્ન થઇ રહ્યું છે. માતાનો સંકલ્પ પૂરો થયાનો અહોભાવ દેખાડયો હતો. પ્રવીણભાઇ તન્નાએ શાબ્દિક આવકાર આપતાં કહ્યું કે, પૂ. બાપુએ સૌને પ્રેમ કરવાનું વચન આપ્યું છે, પણ તેમને કચ્છ વધુ ગમી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રામકથાનાં આયોજનને સફળ બનાવવા પ્રવીણભાઇ તન્ના, યોગેશભાઇ વેલજીભાઇ ગજ્જર, લક્ષ્મણસિંહ વાઘેલા, ભાવેશ ઠક્કર, નાનુભાઇ વી. કે. પટેલ, સુરેશ પરમાર, મોહન ધારશી, અનિલભાઇ વેલજીભાઇ ગજ્જર, મનોજ ઠક્કર, વીનેશ સાધુ, હરેશ ઠક્કર, જયસુખ ઠક્કર, પ્રદીપ સચદે, સૂર્યકાંત વેલજીભાઇ ગજ્જર, નવીનભાઇ કરશન સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. રસોડાની વ્યવસ્થા પટેલ જ્ઞાતિ મંડળ, રઘુનાથજી મંદિરના ભાઇ-બહેનો, પાટ હનુમાન મંદિર, આહીર સમાજ, સોની સમાજ સહિત માધાપરની સમસ્ત જ્ઞાતિના કાર્યકરો સંભાળી રહ્યા છે. - માધાપરની શૌર્યગાથાનું વ્યાસપીઠ પર દર્શન : 1971નાં યુદ્ધમાં ભુજ એરફોર્સ સ્ટેશનનો રન-વે રિપેર કરીને દિલેરી દેખાડનાર માધાપરની વીરાંગના બહેનોની શૌર્યગાથાને પૂ. બાપુની વ્યાસપીઠ પર તાદૃશ રીતે રજૂ કરાઇ છે. રન-વે પટ્ટી રિપેર કરવાનું તાદૃશ દૃશ્ય પોસ્ટર સ્વરૂપે વ્યાસપીઠ પર રજૂ કરાયું છે. - પત્રકારો-સર્જકોને માન-સન્માન આપવાની વ્યાસપીઠની નોખી પરંપરા : સાક્ષરોનું સન્માન કરે એ સભા સંસ્કૃતજનોની હોય છે. વરિષ્ઠ પત્રકાર કુન્દન વ્યાસ કહે છે, શહેનશાહ અકબર અને વિક્રમાદિત્યના દરબારમાં સાહિત્ય સર્જકો-કલાકારોને માનપાન મળતું. આજે મોરારિબાપુની વ્યાસપીઠ એ કામ કરી રહી છે. લેખક-પત્રકારો-કવિઓ-કલાકારોને બાપુના આશીર્વાદ મળે છે. અસ્મિતા પર્વમાં દિલ્હીથી તલગાજરડા પહોંચ્યો. કાર્યક્રમમાં પત્રકાર તરીકેની કારકિર્દી, કામગીરીના વિચારો વ્યક્ત કર્યા ત્યારે બાપુ શ્રોતાઓ વચ્ચે અદના શ્રોતા બનીને સામે બેઠા હતા. પ્રવચન પૂરું કરીને જગ્યા પર ગયો ત્યારે બાપુના સ્વહસ્તાક્ષરમાં ચિઠ્ઠી મળી... `અનુભવ અને અભ્યાસસિદ્ધ અભિવ્યક્તિ - આશીર્વાદ.' કુન્દનભાઇ કહે છે, આ પ્રોત્સાહક શબ્દો તેમને મન પદ્મ કરતાંય કિંમતી સન્માન છે. મોરારિબાપુએ નિષ્ઠાવાન પત્રકારોને માન આપ્યું છે. અખબારનાં પાના નહીં, પનો જોવાય... એમ કહેતાં તેમણે પત્રકારોને શીખ આપી છે કે, ગંદવાળ પરની માખી નહીં, મધમાખી જેવા બનજો... સારો રસ ચૂસીને સમાજને મધુર રસ પીરસજો...