• સોમવાર, 23 માર્ચ, 2026

કચ્છની પ્રત્યેક સીમાચોકીએ નર્મદાનાં નીર પહોંચશે

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 21 : કચ્છ સરહદે રખોપું કરતા સીમા સુરક્ષા દળના જવાનોને પીવાનાં પાણીની ખૂબ જ તકલીફ હોવાથી કચ્છ સીમાની 33 ચોકી સુધી નર્મદાની પાઇપલાઇન પાથરી પેયજળ પહોંચાડવાનો નિર્ણય લઇ ગુજરાતમાં પહેલી વખત ઓ.પી.વી.સી. પાઇપ જમીનમાં પાથરવાનાં કામનો પ્રારંભ થઇ ચૂક્યો છે ને રૂા. 38 કરોડનો આ પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. કચ્છ સરહદની 1175થી માંડી 33 બી.ઓ.પી. પર પીવાનું પાણી પાઇપલાઇન વાટે પહોંચતું નથી, પરંતુ વિઘાકોટ ચોકીથી ટેન્કર વાટે બાકીની ચોકીઓ પર દૈનિક પાણી પહોચતું હતું. અંદાજે પાંચ હજારથી વધુ બી.એસ.એફ.ના જવાનોને હવે પોતાની જ ચોકી પર નળ વાટે શુદ્ધ પાણી મળતું થઇ જાય એ રીતે પહેલી વખત કામગીરી શરૂ થઇ ગઇ હોવાનું `કચ્છમિત્ર' ટીમે નિહાળ્યું હતું. આ અંગે સત્તાવાર સમર્થન આપતાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશિક વાઘેલાએ જણાવ્યું હતું કે, બી.એસ.એફ.ની કચ્છ સરહદે આવેલી  પ્રત્યેક ચોકી સુધી પહેલી વખત પાઇપલાઇન પાથરવામાં આવે છે. - પ્રથમ વખત કચ્છમાં : સીમાવર્તી રણ વિસ્તાર હોવાથી જમીનમાં ખારાશ હોવાથી જી.આઇ. કે પી.વી.સી. પાઇપ લાંબા સમય સુધી ટકી શકે તેમ નહીં હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત કચ્છમાં ટેકનિકલ રીતે ઓ.પી.વી.સી. પાઇપલાઇન આપવાનો નિર્ણય કર્યો છે અને ઓ.પી.વી.સી. પાઇપ ક્ષારના આક્રમણને રોકી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. - કેવી રીતે વિતરણ : નર્મદાનું પેયજળ કેવી રીતે વિતરણ કરવામાં આવશે એ સવાલ કાર્યપાલક ઇજનેર શ્રી વાઘેલા સમક્ષ કરવામાં આવતાં તેમણે વિગતો આપી કે બન્ની જૂથ પાણી યોજના મારફતે નર્મદાનું પાણી અત્યારે લાખોંદમાંથી ફિલ્ટર કરીને મોકલવામાં આવે છે. - 20 એમ.એલ.ડી. : અત્યારે બન્ની પચ્છમના 64 ગામ અને 94 વાંઢને 20 એમ.એલ.ડી. નર્મદા જળ વિતરિત કરવામાં આવે છે. લાખોંદ - ભીરંડિયારા એમ.ઇ.એસ. હેડવર્કસ થઇને ધરમશાળા બી.ઓ.પી. સુધી પાણી બી.એસ.એફ.ના જવાનોને આપવામાં આવે છે. અત્યાર સુધી એકમાત્ર ધરમશાળા ચોકી સુધી પાણીનું જોડાણ હતું, ત્યાંથી આગળની 32 ચોકી સુધી ટેન્કર વડે પાણી પહોંચતું હતું, પણ હવે ધરમશાળાથી લાઇનો પાથરી જોડાણ આપવામાં આવશે. અહીંથી પમ્પિંગ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. - બે બોરમાં ડિસેલિનેશન : અત્યારે નર્મદાનું પાણી આપવામાં આવશે બાકી ટૂંક સમયમાં જ્યાંથી ઓછા ટી.ડી.એસ.વાળું પાણી જમીન હોય ત્યાં બોર કરી ડિસેલિનેશન કરવામાં આવશે અને દોઢ એમ.એલ.ડી. પાણી ત્યાંથી જ ચોકીઓને મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. કલેકટર તરફથી બોર બનાવવા જગ્યા ફાળવામાં આવતાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે, પણ જવાબદારી કોણ સંભાળશે આ સવાલ સામે કહ્યું કે, પાંચ વર્ષ સુધી પાણીનું ડિસેલિનેશન કર્યા બાદ વિતરણ વ્યવસ્થા વગેરે માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવશે. - 38 કરોડ ખર્ચાશે : આખા પ્રોજેક્ટ પાછળ રૂા. 38 કરોડની ધનરાશિ વપરાશે તેવી તેમણે માહિતી આપી હતી ને કહ્યું કે, અત્યારે  પાઇપલાઇન પાથરવાનું કામ ઝડપભેર ચાલે છે. ડિસેમ્બર સુધી પાણી દરેક ચોકીએ મળતું થઇ જાય એ રીતે અમારું આયોજન છે એમ અંતમાં કહ્યું હતું. 

Panchang

dd