ભુજ, તા. 21 : કચ્છમાં કાર્યરત સ્વૈચ્છિક
સંસ્થાઓ અને નિ:સ્વાર્થ સેવકોને એક સાથે સાંકળી લઇને સ્પષ્ટ લક્ષ્ય સાથે સહિયારું કામ
કરવાના કચ્છમિત્રના સેવા પ્રકલ્પના ભાગરૂપે હાથ ધરાયેલી `મારું આંગણું ચકલીનું સરનામું' ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લાની
વિવિધ 12 સંસ્થાના સહયોગથી 24340 ચકલીઘર-કૂંડાંનું વિતરણ કરવામાં
આવ્યું હતું. વિશ્વ ચકલી દિવસના અનુસંધાને વિશિષ્ટ પહેલ અંતર્ગત સમગ્ર જિલ્લામાંથી
12 જેટલી અગ્રણી સંસ્થા સાથે જોડાઈ
ભૌતિક સુવિધા વધતાં જીવસૃષ્ટિથી વિમુખ થઈ રહેલી પ્રજાને પ્રકૃતિ તરફ પાછા લાવવા જીવદયાના
અદના અભિયાનમાં પાણીનાં કૂંડાં અને ચકલીઘરનું વિતરણ કરાયું. રાપર, લખપત, અબડાસા જેવા કચ્છના સુદૂર તાલુકાઓ ઉપરાંત બોટાદ,
દાંતીવાડા, ડીસા, પાલનપુર,
ભાવનગર જેવા અન્ય જિલ્લાઓમાં પણ આ અભિયાને બહોળો પ્રતિસાદ હાંસલ કર્યો
છે. 51થી વધુ શાળા, 100થી વધુ કાર્યકરની
મદદ તથા મહિલા મંડળો, પોલીસ કર્મચારીઓ,
ગૌશાળામાં, 51થી વધુ શાળામાં, દુકાનદાર સાથે વ્યક્તિગત વિતરણની આ બહોળી સંખ્યા નાનામાં નાના જીવની સંભાળ
રાખવાની લોકોની જાગૃતિને ઉજાગર કરે છે. આ આયોજનમાં
રાપરથી નિરંજન પંકજ મહેતા ટ્રસ્ટ, ભચાઉથી લાયન્સ ક્લબ,
ભુજ, કેરા અને અબડાસા-કોઠારાથી માનવજ્યોત સંસ્થા,
કોટડા (ચ.)થી મિશન હરિઓમ સંસ્થા, ગાંધીધામથી જાયન્ટ્સ
ગ્રુપ, અંજારથી સેવા સમર્પણ ટ્રસ્ટ, મુંદરાથી
જનસેવા સંસ્થા, નખત્રાણાથી લોહાણા મહાજન રઘુવંશી સોશિયલ ગ્રુપ,
માંડવીથી પૂ. નરેશચંદ્રમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન, કુકમા મૈત્રીભાવ ગ્રુપ ઉપરાંત ભુજમાં મુસ્લિમ સમાજ ગ્રુપ સાથે કચ્છમિત્ર કાર્યાલય
ખાતે પણ વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ હતી. હજુ પણ 2400 પાણીનાં કૂંડાં અને ચકલીઘરોનું વિતરણ અંજારની ભારત વિકાસ પરિષદ
દ્વારા તા. 23 માર્ચના કરવામાં આવશે.