• રવિવાર, 01 માર્ચ, 2026

ભારાપર સહિત ચાર ગામ કંપનીનાં પ્રદૂષણથી ભારે ત્રસ્ત

ગાંધીધામ, તા. 27 :  કિડાણા, ભારાપર અને આસપાસના વિસ્તારોમાં લાંબા અરસાથી કંપનીનાં પ્રદૂષણના કારણે ગાંધીધામ આસપાસના ચાર ગામના રહેવાસીઓ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પત્ર પાઠવી  પ્રદૂષણ મામલે દરમ્યાનગીરી કરવા  ભારપૂર્વકની રજૂઆત કરી હતી. ભારાપરના હાજલ દાદા સેવકગણ કિડાણાના સમસ્ત ગ્રામજનો, અંતરજાળ અને શિણાયના રહેવાસીઓ આ મુદ્દે રજૂઆત કરવા માટે સવારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. પત્રમાં જણાવ્યા પ્રમાણે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં અવતા હાજલ દાદા સેવકગણ, ભારાપર, અંતરજાળ અને  શિણાયના લોકોને છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી  સાલ સ્ટીલ દ્વારા ફેલાવાતાં પ્રદૂષણથી ભારે મુશ્કેલી પડી રહી છે. હાજલ દાદા મંદિરમાં કાળી ભૂકીના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને આ વિસ્તારમાં કેન્સર અને શ્વાસની બીમારીઓ ફેલાઈ રહી હોવાનું  પત્રમાં જણાવાયું  હતું. આ  વિસ્તારના ખેડૂતો કોઈ પાક પણ લઈ શકતા નથી. ગત વર્ષથી પ્રદૂષણ સામે વિરોધ કરી રહ્યા છીએ. કંપની દ્વારા કારખાનું અન્યત્ર ખસેડવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ તેનાથી વિપરીત આ કંપની અન્ય ઉદ્યોગગૃહને વેચી નાખવાની  તજવીજ કરાઈ હોવાનું પત્રમાં જણાવાયું છે. મ્યુનિસિપલ કમિશનરને જાગીર અને આસપાસના રહેણાક વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.  મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીએ રજૂઆતને શાંતિપૂર્વક સાંભળીને તેમની કક્ષાએ  થતી તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને એક વખત રૂબરૂ મુલાકાત લઈને  જાત માહિતી મેળવવાની ખાતરી પણ તેમણે આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સાલ કંપનીનાં પ્રદૂષણ મામલે વખતોવખત લડત થઈ છે. ગ્રામજનો દ્વારા પણ આંદોલનાત્મક કાર્યક્રમો યોજાયા હતા. પ્રદૂષણ બોર્ડ દ્વારા અમુક પગલાં પણ સૂચવાયા હતા, પરંતુ  પ્રદૂષણની સ્થિથિમાં હજુ સુધી કોઈ સુધારો આવ્યો ન હોવાનું જાણકારો જણાવી રહ્યા  છે. 

Panchang

dd