ભુજ, તા. 27 : કચ્છમાં છેલ્લા બે દિવસથી સાયકલોનિક
સકર્યુલેશનની અસરથી ગગડેલો મહત્તમ પારો બે દિવસ બાદ ત્રણથી પાંચ ડિગ્રી ઊંચકાવા સાથે
તાપનો પ્રભાવ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હોળી આસપાસ પારો કેટલાક સ્થળે 40 ડિગ્રી નજીક પહોંચવાની સંભાવના
દેખાડાઈ છે. 4 અને 5 માર્ચે ભેજયુક્ત ગરમ પવનની અસરથી જનજીવન આકુળ-વ્યાકુળ થવાની
આગાહી કરાઈ છે. ભુજમાં 33.6, અંજાર-ગાંધીધામમાં
33.4, નલિયામાં 31 અને કંડલ પોર્ટમાં 31.3 ડિગ્રી નોંધાયું હતું. સવારના
ભાગે ઝાકળવર્ષાના પગલે વાતાવરણમાં ભીનાશ જોવા મળી હતી. ઓસિયા જેવું વાતાવરણ, ઝાકળ પડવી, મસી નામની ઝીણી જીવાતે લોકો માટે
મુશ્કેલી સર્જી હતી. હાલ રવી સિઝનના રાયડો, એરંડા અને ઘઉં જેવા
પાકોની લણણી ચાલી રહી છે. ખેતીના પાકમાં વસવાટ કરતી મોલો મસી પવન સાથે આસપાસના વિસ્તારોમાં
ફેલાઈ રહી હોવાનું જાણવા મળે છે. જાણકારોના મતે આ જીવાતનો ઉપદ્રવ એકાદ મહિના સુધી યથાવત્
રહેવાની શક્યતા છે.