ભુજ, તા. 27 : દુર્ગમ વિસ્તાર ધરાવતા કચ્છમાં
જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં તાંત્રિક અને વહીવટી સ્ટાફની મોટી ઘટ વચ્ચે છેલ્લાં
પાંચ વર્ષ દરમ્યાન ફાળવાયેલી 15મા નાણાપંચની
557.03 કરોડની ગ્રાન્ટમાંથી 413.41 કરોડ એટલે કે, 75 ટકા રકમનાં
વિકાસકામો થયા છે, તે પૈકી 174.73 કરોડના એટલે કે 42 ટકા જેટલી કામગીરી સાથે લાંબા સમયથી અટકેલાં કામો છેલ્લા બે
વર્ષમાં પૂર્ણ થયા છે. વર્ષ 2020-21માં
15મા નાણાપંચની શરૂઆત થઈ હતી, જેમાં વર્ષ 2021-22થી દરેક જિલ્લા પંચાયતોને ગ્રાન્ટોની
ફાળવણીની શરૂઆત કરવામાં આવી હતી, કચ્છ
જિલ્લા પંચાયતને વર્ષ 2020-21થી
2024-25 દરમ્યાન કુલ્લ 55,706.67 લાખની ફાળવણી કરવામાં આવી હતી.
- 630 જેટલાં ગામડામાં વિવિધ
વિકાસકામો થયા : આ ફાળવાયેલી
ગ્રાન્ટમાંથી કચ્છના અંદાજે 630 જેટલાં ગામડાઓમાં
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાનાં કામો જેમાં પાણીની લાઈનો, પાણીના ટાંકા, ચેકડેમ-તળાવનાં
કામો, ગટરલાઈનો, સોકપિટ, જેટિંગ મશીન ખરીદી, પ્રાથમિક શાળા-આંગણવાડીઓમાં આરઓ પ્લાન્ટ,
શૌચાલયો, સફાઈ માટે ટ્રક્ટર ટ્રોલી અને ઈ-ટેમ્પોની
ખરીદી, વિવિધ આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સ, ફોગિંગ મશીનોની ખરીદી, નવીન આંગણવાડી કેન્દ્રો,
નવા પંચાયત ઘર, તલાટી આવાસોનાં બાંધકામો તેમજ રસ્તાનાં
બાંધકામ અને તેની જાળવણી સહિતનાં કામો પૂર્ણ કરાયા છે. - રોયલ્ટી/સ્વભંડોળનાં કામો : તેવી જ રીતે જિલ્લા પંચાયતને થતી રોયલ્ટી
અને સ્વભંડોળની આવકમાંથી વર્ષ 2024-25 અને
2025-26 દરમ્યાન 31.33 કરોડનાં વિકાસકામો થયા છે.
આ વિકાસકામોમાં પતરાના શેડ, ગટર અને સફાઈ,
પૂરસંરક્ષણ દીવાલ, લાયબ્રેરી, પાણીના ટાંકા, સ્નાનઘાટ, પાણીની
લાઈન, એપ્રોચ રોડ, સીસીટીવી અને એલઈડી લાઈટો,
તેમજ કમ્પાઉન્ડ વોલનો સમાવેશ થાય છે. - તાંત્રિક સ્ટાફની ઘટ : હવે વાત કરીએ
સ્ટાફ ઘટની, જિલ્લા પંચાયત દ્વારા મંજૂર
થતા નાણાપંચ અને સ્વભંડોળ તેમજ રોયલ્ટીના વિકાસકામોની દેખરેખ રાખવાની જેમની જવાબદારી
છે તેવા બાંધકામ અને સિંચાઈ વિભાગમાં નાયબ
કાર્યપાલકથી લઈને મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઈજનેર સહિતની કેડરના કર્મચારીઓની મોટી
ઘટ છે, તેમ છતાં છેલ્લાં
પાંચ વર્ષ દરમ્યાન 15મા નાણાપંચની
મળેલી 557.03 કરોડની ગ્રાન્ટમાંથી 413.41 કરોડ એટલે કે, 75 ટકા કામગીરી
પૂર્ણ કરાઈ છે. - બાંધકામમાં
તાંત્રિક સ્ટાફની ઘટ : બાંધકામમાં અધિક મદદનીશ ઈજનેરનું મંજૂર
મહેકમ 70 જેટલું છે, તેમાંથી હાલ 27 ભરેલી અને 43 ખાલી છે, તો નાયબ કાર્યપાલકની મંજૂર સાતમાંથી ત્રણ જગ્યા
ભરેલી છે, તો મદદનીશ ઈજનેર 17માંથી માત્ર પાંચ જ છે. - સિંચાઈમાંયે 60 ટકા ઘટ : બાંધકામની
જેમ સિંચાઈ વિભાગમાંયે તળાવો, નાની
સિંચાઈના ડેમો, ચેકડેમોના સુધારણા, નવા
બનાવવા જેવા કામોની દેખરેખ રાખવાની જવાબદારી છે તેવા મદદનીશ ઈજનેર, અધિક મદદનીશ ઈજનેરના 35 જેટલા મંજૂર મહેકમ સામે 20 જેટલી જગ્યા ખાલી પડી છે,
તો જિલ્લા પંચાયતની સિંચાઈના છ સબ ડિવિઝનમાં નાયબ કાર્યપાલક ઈજનેર પૈકી
ત્રણ ઈન્ચાર્જ છે, તો જિલ્લા પંચાયતમાં મુખ્ય શાખામાં કાર્યપાલક
ઈજનેર પાસે સિંચાઈ વર્તુળ કચેરીનો ચાર્જ છે, તેથી તેમના પર કામોનું
ભારણ રહે તે સ્વાભાવિક છે. વળી, નાણાપંચ દ્વારા તાલુકાકક્ષા અને
જિલ્લાકક્ષાએ ફાળવાયેલા કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ સ્ટાફને પણ ઉપલી કક્ષાએથી છૂટો
કરી દેવાયો છે.