• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

એડવાન્સ્ડ ફિઝિક્સ સમર કેમ્પ માટે કચ્છની ત્રણ વિદ્યાર્થિનીની પસંદગી

ભુજ, તા. 31 : વિક્રમ અ. સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ગુજરાત સાયન્સ એકેડમી-અમદાવાદ દ્વારા ગુજરાતની યુનિવર્સિટીમાં બી.એસસી.ના બીજા વર્ષ (સેમ. 4)માં અભ્યાસ કરતા ફિઝિક્સના વિદ્યાર્થીઓ માટે એડવાન્સ્ડ બી.એસસી. ફિઝિક્સ સમર પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. આ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાંથી ફક્ત 30 વિદ્યાર્થી જ પાસ થયા હતા જેમાં તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુરની ત્રણ વિદ્યાર્થિની કેશ્વી હિતેશ સોની (ભુજ), આયુષી કિન્ટુ ઠક્કર (ભુજ) અને વૈદિકા કીર્તિચંદ્ર વાડિયા (માંડવી)ની પસંદગી થઇ હતી. તેમણે 18 દિવસની તાલીમ લીધી હતી, જે સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ ખાતે યોજાઇ હતી. કેમ્પમાં ભૌતિક વિજ્ઞાન, ક્વોન્ટમ મિકેનિક્સ વગેરેના લેકચર ઉપરાંત સાંજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગો કરાયા હતા. તાલીમાર્થીઓને અમદાવાદ ખાતે આવેલી ઇસરોની સ્પેસ એપ્લીકેશન સેન્ટરની પ્રવૃત્તિઓ અંગે જાણકારી તથા માર્ગદર્શન અપાયું હતું. સેટલાઇટના કેમેરા (સેડા લેબ) આ સંસ્થામાં બનાવાય છે. ગાંધીનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝમા રિસર્ચની મુલાકાત કરાવાઇ હતી. તોલાણી કોલેજના પ્રાધ્યાપકો પંકજ ઉદ્દેશી, અરૂણ ભીંડે, મહેશ ઓઝા તથા નિરજ પંડયાએ છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang