ગાંધીધામ, તા. 8 : પર્યાવરણ જાળવણી પ્રત્યેની
આપણી વધતી જતી બેદરકારીના કારણે વાતાવરણમાં વિપરીત સંજોગોમાં જોવા મળે છે. પર્યાવરણપ્રેમીઓ આ દિશામાં પ્રયત્નશીલ છે, તો બીજી બાજુ સરકારી તંત્રોએ પ્રદૂષણ અટકાવવા
માટે કમર કસી છે. ગાંધીધામમાં દીનદયાલ પોર્ટ પ્રસાશને ગ્રીન હાઈડ્રોજન ઉપર વિશેષ ધ્યાન
કેન્દ્રીત કરવા સાથે ઈલેક્ટ્રિક વાહનના ઉપયોગ ઉપર ભાર મુક્યો છે. આ ઉપરાંત ગાંધીધામ
મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરો એકત્રિત
કરવા માટે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી કાર્બન
ઉત્સર્જન ઘટાડવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ગાંધીધામ મહા નગરપાલિકાના 30 જેટલા ઈલેક્ટ્રિક વાહનો જુદા-જુદા
વિસ્તારમાંથી કચરો એકત્રિત કરે છે. આ વાહનો પૈકી પ્રત્યેક એક વાહન દિવસના 70 જેટલા કિલોમીટર ફરે છે. જેના
ઉપયોગ થકી શહેરમાં પ્રદૂષણ ઓછું થાય છે. મ.ન.પા.ના જાણકારોએ વિગતો આપતાં જણાવ્યું હતું
કે, અગાઉમાં ડોર-ટુ-ડોર વાહનો પાછળ દર મહિને અંદાજિત 10થી 15 લાખ જેટલો
ખર્ચ થતો હતો. હાલમાં અગાઉના પ્રમાણમાં નહીંવત ખર્ચ થયો છે. નાયબ કમિશનર મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા પ્રદૂષણ નિવારવા પ્રયત્નશીલ છે.
આ માટે કાર્ય પણ ચાલી રહ્યું છે. કચરો એકત્રિત
કરતા વાહનોમાંથી ધુમાડા નીકળતા ન હોવાથી પ્રદૂષણ થતું નથી. શહેરને સુંદર બનાવવાની દિશામાં
પણ કાર્ય થઈ રહ્યું છે. વધુમાં તેમણે પ્રદૂષણ અટકાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા
અને શહેરને સુંદર રાખવા માટે જ્યાં ત્યાં કચરો ન નાખવા માટે નાગરિકોને અપીલ કરી હતી.