કાઠડા (તા. માંડવી), તા. 8 : ચારણ ઋષિ
વજા ભગત સ્થાપિત કલ્યાણેશ્વર સત્સંગ મંડળ અને વૈષ્ણવ સમાજ આયોજિત કાઠડા વાડીવિસ્તારમાં
કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી 21/4થી 27/4 સુધી શ્રીમદ્
ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે, જેનું
મંડપમુહૂર્ત અને સ્તંભ પૂજન રતડિયાના ધનબાઈમા, હિંગરિયા આશ્રમના
મહંત કલ્યાણદાસજી બાપુ, રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુના
હસ્તે કરાયું હતું. અહીં 23 વર્ષ બાદ
ભાગવત સપ્તાહ યોજાઈ રહ્યું છે. જેની તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ સમિતિઓ બનાવાઈ છે અને
આગામી તા. 21/4થી ભાડિયાના કથાકાર કશ્યપ શાત્રીના
વ્યાસાસને કથા પ્રારંભ થશે. કથા શ્રવણનો સમય સવારના 9થી 1 અને બપોર બાદ 3થી 6 સુધીનો રહેશે
જેમાં ભજન, સંતવાણી, રાસ-ગરબા સહિતના કાર્યક્રમમો યોજાશે.
મંડપ સ્થાપનાવિધિના આચાર્યપદે શ્યામશાત્રી રહ્યા હતા. સંતો - માતાજીઓની પાયવંદના
કરાઈ હતી. રામકૃષ્ણ કુટિરના વિરમ ભગત તથા ગામના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વ્યવસ્થા સત્સંગ મંડળના પ્રમુખ લક્ષ્મીશંકર જોશી, કાઠડા તા.પંના
સદસ્ય દેવાંગ ગઢવી, અનિલભાઈ કાનાણી, અરજણભાઈ
કાનાણી, સામતભાઈ વિઝાણી, મહેશ ગોસ્વામી,
દિલીપભાઈ સાખરા, ભારૂભાઈ, આશાભાઈ સહિતનાની આગેવાની હેઠળ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના સર્વે સભ્યો
જહેમત ઉઠાવી રહ્યા છે.