• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

માંડવી સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવે આજે પોથીયાત્રા

માંડવી, તા 8 : સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત અહીંના સ્વામિનારાયણ નૂતન મંદિરના રજત જયંતી મહોત્સવે આવતીકાલે તા. 9ના પોથીયાત્રા તેમજ સંતોનાં ઉદ્બોધન, પ્રવચન અને સ્વયંસેવકોને સેવાકાર્ય સોંપવામાં આવશે. ભુજ મંદિર દ્વારા સંચાલિત નિર્માણ પામેલાં આ મંદિરે વૃન્દાવનવિહારી હરિકૃષ્ણ મહારાજ સાથે બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી-ઘનશ્યામ મહોત્સવ ઊજવવામાં આવશે. આ અંતર્ગત તા. 10થી 16 એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવમાં દેશ-વિદેશથી દૈનિક 25 હજાર હરિભક્ત ઉત્સવનો લાભ લેવાના છે. જેના માટે વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.  સાથોસાથ વિશાળ ભોજનાલય ખંડો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે ઘનશ્યામ બાળનગરી, તા. 11થી 13 આયુર્વેદિક કેમ્પ, તા.15ના રક્તદાન કેમ્પ તેમજ સાતે દિવસ માંડવી વિસ્તારમાં આવેલી ગૌશાળાઓમાં ગાયો માટે ઘાસ વિતરણ કરવામાં આવશે. ભુજ મંદિરના મહંત સ.ગુ. સ્વામી ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, માંડવી મંદિરના મહંત પુરાણી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી, પુરાણી સ્વામી મહાપુરુષદાસજી આદિ વડીલ સંતોની પ્રેરણા અને માર્ગદર્શનથી મહોત્સવ ઊજવવામાં આવશે. રસોડા વિભાગ, સભામંડપ વિભાગ, વિષ્ણુયાગ વિભાગ, પાણી અને વિદ્યુત વિભાગ વગેરે 22 જેટલી સમિતિની રચના  કરવામાં આવી છે. માંડવી મંદિરના કોઠારી સ્વામી સંત જીવનદાસજી, કોઠારી ઘનશ્યામપ્રસાદદાસજી, સ્વામી બાળમુકુન્દદાસજી, સ્વામી ન્યાલ કરણદાસજી, સ્વામી વેદપ્રકાશ સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો મહોત્સવની તૈયારીઓ કરી રહ્યા છે.   સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં વક્તા તરકે પુરાણી સ્વામી શ્યામકૃષ્ણદાસજી, સ્વામી નારાયણપ્રિયદાસજી તથા સ્વામી ભક્તવત્સલ દાસજી કથાનું રસપાન કરાવશે  તથા સભા સંચાલક સ્વામી સુખદેવદાસજી તથા હરિકૃષ્ણદાસજી રહેશે. એવું યજ્ઞસમિતિના કન્વિનર ડો. સ્વામી સત્યપ્રસાદદાસજીએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd