માંડવી, તા. 8 : સત્પુરુષ, તપસ્વી પ્રતિભાનો સંકલ્પ ક્યારેય વ્યર્થ નથી
જતો. કચ્છની પાવન ધરા ઉપર અન્નાહાર ત્યાગી પૂ. ગિરિજાદત્તગિરિજી મહારાજે માળાના મણકા
જેટલી 108 વર્ષની સદેહે આવરદા ભોગવતા
નાના રતડિયામાં શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર પરિસરને જંગલમાં મંગલ સમી તીર્થભૂમિ બનાવી
છે. એમના અનુગામી પીઠાધીશ મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજીએ આ આસ્થાસ્થળની આભા વિસ્તારી
હોવાથી એમને નિરોગીશતાયુ નસીબ થાય એમ નાના રતડિયા ખાતે સતચંડી યાગની પૂર્ણાહુતિ અને
નાકરાણી પરિવાર દ્વારા અર્થદાનથી નિર્માણ પામેલા અતિથિગૃહ અનસૂયા ભવન, હનુમાન વનવાટિકા અને જલધારા એમ ત્રિવિધ સુવિધાનું
લોકાર્પણ કરતા જ્યોતિમઠ બદ્રિકાશ્રમ, ઉત્તરાખંડના શંકરાચાર્યજી
મહારાજ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ આશીર્વચનો આપતાં કહ્યું હતું. આ અવસરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સતચંડી યાગની
શ્રીફળ હોમ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી. ધોમધખતા તાપમાં શાત્રોક્ત વિધિપૂર્વક રતનશીભાઈ
નાકરાણી પરિવારનાં દાનથી ચારેક એકરના ઘેરાવામાં બે હજાર કરતાં વધુ વૃક્ષારોપણવાળા પક્ષી
ઉપવન, સંસ્થાના ટ્રસ્ટી- મોભી સામજીભાઈ નાકરાણી પરિવારના દાન
વડે નિર્મિત 14 રૂમ અને પૂર્વ
ટ્રસ્ટી સ્વ. લાલજીભાઈ નાકરાણી પરિવારના દાન થકી સુલભ જલધારા એમ ત્રિવિધ સુવિધા લોકાર્પિત
કરતાં શંકરાચાર્યજી મહારાજે કહ્યું હતું કે, દિવંગત ગિરિજાદત્તગિરિજીની સંકલ્પસૃષ્ટિ, કલ્યાણાનંદજીની
સ્તુતિકર પ્રેરણા-આશીર્વાદ અને ભક્તોના ભાવનામય પુરુષાર્થ થકી આ ધરાને નિરંતર નિખાર
આપતી સ્વયં અનુભૂતિ છે. ધાર્મિક ભાવનાની પરિપૂર્તિ થતી જ રહેશે. હિમાલયની છાયામાં ધર્મપતાકાના
સ્વામી શંકારાચાર્યજી મહારાજે પક્ષી ઉપવનને `હનુમાન વાટિકા' નામ આપ્યું હતું. પરંપરાગત નવરાત્રિના દસમા દિને શ્રીફળ હોમની રસમ,
સતચંડી યાગ વિરામ આચાર્યપદેથી શાત્રી જયંતીલાલભાઈ જોશીએ કરી હતી. ગાદીપતિ
કલ્યાણાનંદગિરિજીના સાંનિધ્ય અને પ્રેરણામાં ભાવિકોએ મોટી સંખ્યામાં ધર્મલાભ લીધો હતો.
ટ્રસ્ટીઓ અને દાતા નાકરાણી પરિવારના સામજીભાઈ નારાણ નાકરાણી, અરજણભાઈ નાકરાણી, રતનશીભાઈ નાકરાણી, ટ્રસ્ટીઓ નારાણભાઈ ચૌહાણ, દેવેન્દ્ર વ્યાસ, મનોજભાઈ અમૃતિયા, વાસંતીબેન નાકરાણી, પ્રીતિબેન અને પ્રિતેશ નાકરાણી, ઝવેરબેન લાલજી પરિવાર,
વસંતભાઈ નાકરાણી, પ્રવીણભાઈ નાકરાણી, લક્ષ્મીદાસ ગજરા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ભરતભાઈ બોડા, દિલીપભાઈ શાહ, વિક્રમસિંહ
જાડેજા વગેરે જોડાયા હતા. નિર્માણાધીન સંકુલોની જાણકારી અપાઈ હતી. મહાપ્રસાદનો દાતા
વાસંતીબેન સામજીભાઈ અને પ્રીતિબેન પ્રિતેશ પરિવારે લાભ લીધો હતો.