ભચાઉ, તા. 8 : ભચાઉ તાલુકાના ખોડાસરમાં 2.20 કરોડના ખર્ચે પુલ ઉપર બોક્સ
કલ્વર્ટનાં કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ કામ શરૂ થતાં દાયકાઓ જૂની સમસ્યાથી ગામને
મુક્તિ મળશે તેવો આશાવાદ આ વેળાએ વ્યક્ત કરાયો હતો. વાગડના અંતરિયાળ ગામડાંઓની દાયકાઓ
જૂની સમસ્યા દૂર કરવામાં અગ્રણીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારને
આધુનિક સુવિધાઓ મળી રહે તે દિશામાં પ્રયાસ થઈ રહ્યા હોવાની લાગણી આ વેળાએ વ્યક્ત કરાઈ
હતી. 2.20 કરોડના ખર્ચે પુલ ઉપર બોક્સ
કલ્વર્ટનાં કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું.
આ વેળાએ ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રાણુભા
જાડેજા, રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા,
જિલ્લા પંચાયતના નરેન્દ્રદાન રવદાનજી ગઢવી, જિલ્લા
પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, નરા સરપંચ રણછોડજી
જાડેજા, આધોઈ સરપંચ રાજાભાઈ મણોદરા, હરિભા
ગઢવી, ભચાઉ તાલુકા પંચાયત ભાજપના અગ્રણી જેઠુનાથજી, તાલુકા ભાજપ મહામંત્રી સુરેશભાઈ કોલી, લાલજીભાઈ આહીર,
કાજાભાઇ આહીર- કુંભારિયા, ભગુદાન ગઢવી,
કમલાસિંહ સોઢા, રમેશભાઈ મુકેશભાઈ મારાજ,
વિનુભાઈ થાનકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાયકાઓથી વરસાદમાં
ખોડાસર ગામમાં આવવા-જવાનો માર્ગ બંધ થઈ જતો હતો. સંપર્કના અભાવે કોઈ આકસ્મિક પરિસ્થિતિ
ઊભી થાય ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ 2.20 કરોડની માતબર રકમથી આ પુલનું
કામ શરૂ થવાથી આગામી સમયમાં આ સમસ્યામાંથી ગામને મુક્તિ મળશે. વાગડના દુર્ગમ વિસ્તારો
સુધી વિકાસકામો કરવામાં આવતાં રાપરના ધારાસભ્યના આ વિકાસલક્ષી કામના અભિગમને અગ્રણીઓ
અને લોકોએ આવકાર્યો હતો. લાકડિયા બેઠકના તાલુકા પંચાયત સદસ્ય હરિભા ગઢવીએ કહ્યું કે, ખોડાસરને જોડતી નદી પરનો માર્ગ જોબ નંબર ન મેળવવાનાં
કારણે અટવાયેલો રહ્યો હતો. ચાર-ચાર ધારાસભ્ય આવીને ગયા, પરંતુ
કામ આગળ વધતું નહોતું. કેશુભા ભુરૂભા જાડેજાનો સંબંધ ખોડાસર ગામ સાથે હતો, ત્યારે તેમના ભત્રીજા એવા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ નિભાવતાં આનંદની
લાગણી પ્રસરી હતી.