નારાણપર (તા. ભુજ), તા. 3 : દર્દી નારાયણની
સેવાથી ભગવાનની સેવા જેટલું જ પૂણ્ય પ્રાપ્ત થાય છે તેવું કચ્છમિત્ર અને કચ્છી લેવા
પટેલ સમાજ દ્વારા તાલુકાના નારાણપર ગામે આયોજિત 17મા રોશની પ્રોજેક્ટ પ્રસંગે બોલતાં ભુજ સ્વામિનારાયણ મંદિરના
ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજીએ જણાવ્યું હતું. નારાણપર (નીચલોવાસ) સ્વામિનારાયણ મંદિરના
131 વાર્ષિક પાટોત્સવે પૂ. સાંખ્યયોગી
બહેનોની પ્રેરણાથી મુખ્ય દાતા અ.નિ. રત્નાભાઈ દેવશી કેરાઈ અને ગં.સ્વ. રતનબેન રત્નાભાઈ
કેરાઈના સ્મરણાર્થે પુત્ર નારાણભાઈના સહયોગે રોશની પ્રોજેક્ટનો 17મો મણકો યોજાયો હતો, જેમાં 320 દર્દીની આંખની તપાસ કરવામાં
આવી હતી, જેમના ઓપરેશન કચ્છી લેવા પટેલ હોસ્પિટલ ખાતે
કરવામાં આવશે. આ તકે ઉપમહંત
ભગવદજીવનદાસજીએ સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને બિરદાવતાં જણાવ્યું હતું કે, એકતા, સંગઠન સાથે કાર્ય
કરતા રહેવાથી તમામ કાર્યો સફળ થાય છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અરજણભાઈ પીંડોરિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં
જણાવ્યું હતું કે, જ્યાં
સંતોનું સાંનિધ્ય હોય અને જ્યાં માનવ સેવાના યજ્ઞનું કાર્ય થતું હોય તેના સહભાગી બનવા
બદલ આનંદ લાગણી વ્યક્ત કરી કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છમિત્રના માધ્યમથી સમગ્ર કચ્છના
દ્રષ્ટિહીનોને દ્રષ્ટિવાન બનાવવાના ચાલતા માનવસેવાના ઉમદા કાર્યનો યશ આ ગામને મળ્યો
હોવાનું જણાવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું
કે, ભુજ સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન મેગા
કેમ્પ દ્વારા સમગ્ર કચ્છને રોગમુક્ત કરવાનો મહાયજ્ઞ આદરાયો હોવાનું જણાવી અત્યાર સુધી
હજારો દર્દીઓને રોગમુક્ત કરાયા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કચ્છમાં નેત્રનિદાન કેમ્પ તો ઘણા યોજાતા હોય છે, પરંતુ
કેટલાક કિસ્સામાં ઓપરેશન બાદ પણ દર્દીઓની આંખોમાં
છારી વળી જવાના બનાવો બન્યા બાદ રોશની પ્રોજેક્ટ હેઠળ સારી ગુણવત્તાવાળા લેન્સ બેસાડવાનો
નિર્ણય લેવાયો હતો. તેમણે લેવા પટેલ હોસ્પિટલ અને કે. કે. પટેલ હોસ્પિટલ દ્વારા થતી
માનવસેવાની આછેરી ઝલક આપી હતી, તેમજ રોશની પ્રોજેક્ટ બાબતે કચ્છમિત્રની
સામાજિક સેવાની ભૂમિકાની સરાહના કરી હતી. લેવા પટેલ સમાજ અને કચ્છમિત્રના સહયોગે આયોજિત
રોશની પ્રોજેક્ટમાં અત્યાર સુધી 1500થી વધુ દર્દીઓને આંખની રોશની પ્રાપ્ત થઈ હોવાનું શ્રી પીંડોરિયાએ
જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં અત્યાર સુધી યોજાઈ ગયેલા રોશની પ્રોજેકટ કેમ્પ દરમ્યાન
લાભ લીધેલા દર્દીઓ, દાતાઓ સહિતની
માહિતી પ્રદાન કરતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં
ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિશ્વપ્રકાશદાસજી, શાત્રી કૃષ્ણસ્વરૂપદાસજી,
શાત્રી સુખનંદનદાસજી, સ્વામી આનંદપ્રિયદાસજી, સ્વામી હરિદાસજી, સ્વામી સત્સંગસેવકદાસજી, વિવેકસાગરદાસજી, સ્વામી ભગવદપ્રસાદદાસજી, ભુજ મંદિરના સાંખ્યયોગી મહંત
સામબાઈ ફઈ, નારાણપર મંદિરના સાંખ્યયોગી મહંત વાલબાઈ ફઈ,
ભુજ મંદિરના નીતાફઈ તેમજ ઉપલોવાસ અને નીચલોવાસના સર્વે સાંખ્યયોગી બહેનો,
સમાજના અગ્રણીઓ કાન્તીભાઈ કેશવજી વેકરિયા, લાલજીભાઈ
મેઘજી હીરાણી, જાદવજી હાલાઈ (મેઘપર), અરજણ
કરસન કેરાઈ,નાનજી કાનજી પીંડોરિયા, રામજી
દેવજી વેકરિયા, કાનજીભાઈ જેસાણી (બળદિયા), જાદવજી ગાજપરા (બળદિયા), કુંવરજી દેવરાજ વવેકરિયા,
શિવજીભાઈ જેસાણી, ગૌતમ નારાણ કેરાઈ, ભાવેશ મનસુખ વેકરિયા, કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ
પંડયા, એડ. મેનેજર હુશેનભાઈ વેજલાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હતા. આ તકે કચ્છી લેવા પટેલ હોસ્પિટલને દર્દીઓની સેવા માટે જાદવજીભાઈ હાલાઈ તરફથી રૂા. એક લાખ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ, સાંખ્યયોગી મહંત વાલબાઈ ફઈ,
કિશોર શિવજી વેકરિયા અને કેસરા જાદવા વેકરિયા તરફથી રૂા. 10-10 હજાર તથા અ.નિ. કાનજી કુંવરજી
હાલાઈ હ. નાનબાઈ તરફથી રૂા. પાંચ હજારનું દાન અપાયું હતું. સંચાલન વસંત પટેલે કર્યું
હતું.