ભુજ, તા. 3 : કચ્છમાં જમીન દબાણની ગેરપ્રવૃત્તિ
અત્યંત વધી ગઈ હોવાથી શહેર હોય કે ગામડું દબાણકારો જાણે બેકાબૂ બન્યા હોય અથવા તો કાયદાની
કોઈને ધાક ન હોય તેમ જ્યાં મોકાની જમીન જુએ ત્યાં એ ભૂમિ કબજે કરી લેવાતાં હવે સરકારે પણ લાલઆંખ બતાવવાનું શરૂ કર્યું છે. થોડા
સમયથી અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલી પેશકદમી હટાવવા પગલાં લેવાઈ રહ્યાં છે.
બીજીબાજુ જિલ્લા વહીવટી તંત્ર વધુ કડક બન્યું છે ને આગામી 15મી એપ્રિલથી સમગ્ર કચ્છમાં દબાણો હટાવવા
મહાઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવી સત્તાવાર જાણકારી મળી છે. કચ્છના શહેરો, ગાંધીધામ મહાનગરપાલિકા તેમજ ગામડાંમાં દબાણકારોએ
ક્યાંય હવે ખુલ્લી જમીન રહેવા દીધી નથી, તેમાંય ગામડાંઓમાં તો
ગાયોના વથાણ કબજે કરી લેવાયા છે, ઉપરાંત ચરિયાણ માટેની ગૌચર ભૂમિ
પણ છોડવામાં આવી નથી. શહેરોમાં ધમધમતા રસ્તા કે નવી બનેલી સોસાયટીઓમાં અનેક રીતે દબાણ
પ્રવૃત્તિએ માઝા મૂકી હોવાથી તાજેતરમાં નવા આવેલા કલેક્ટર આનંદ પટેલે સ્પષ્ટ જણાવ્યું
હતું કે, દબાણ એ મોટું દૂષણ છે અને આ પ્રવૃત્તિ વ્યાપકપણે વધી
જતાં ભવિષ્ય માટે લાલબત્તી સમાન છે. મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં ગ્રામ્ય અને શહેરી
વિસ્તારમાં જુદાં-જુદાં 5000થી વધુ દબાણનાં
સ્થળો તારવવામાં આવ્યાં છે, જ્યારે ગામડાંઓમાં
તો જિલ્લા પંચાયત વિભાગે ખાસ દબાણ શાખા પણ શરૂ કરી છે, જ્યાં
3000 સ્થળે દબાણ થયેલું છે, તેવું સત્તાવાર રીતે ચોપડે બોલે છે. કલેક્ટર
આનંદ પટેલ કહે છે કે, દબાણ પ્રવૃત્તિ હરગિજ ચલાવાશે નહીં,
તમામ પ્રાંત અધિકારીઓને સૂચના
આપવામાં આવી છે અને જ્યાં-જ્યાં દબાણ થયેલું છે તેની યાદી 15મી પહેલાં સુપરત કરી દેવી અને નડતરરૂપ છે
અથવા તો અગ્રતાક્રમે ક્યાં હટાવવાની જરૂર છે તે સૌથી પહેલા તોડવામાં આવશે. કોઈએ પણ
ગેરકાયદે ભૂમિ દબાવી હોય અને સ્વૈચ્છિક હટાવવા તૈયાર હોય તેની સામે કોઇ વાંધો નથી, પરંતુ જો પોતાની રીતે નહીં હટે તો પોલીસને પણ
સૂચિત કરવામાં આવી છે કે, તમામ દબાણો પૂરતા બંદોબસ્ત સાથે હટાવવામાં
આવશે. તેમણે કબૂલ્યું કે, ખાસ કરીને હાઇવે પર હોટેલો,
ટાયર પંક્ચર, ખાણીપીણી કે અન્ય ધંધા ચાલે છે,
એ મોટાભાગની સરકારી જમીનો દબાવાઇ છે, ક્યાંક તો
જમીનો દબાણ કરી માથાભારે લોકો બાંધકામ ઊભું કરી તેનાં મોટાં ભાડાં વસૂલ કરે છે. આવી
અનેક ફરિયાદો આવી ચૂકી છે, વળી ક્યાંક અમુક અસામાજિક તત્ત્વો
પહેલાં જમીન અલગ -અલગ જગ્યાએ દબાવે અને પાછળથી મોટી રકમ લઈને વેચાણ કરે છે,
આ અત્યંત ગંભીર બાબત છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે, અસામાજિક તત્ત્વો સામે દબાણો હટાવી કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં
આવી છે. 15મી એપ્રિલ
બાદ કોઈની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત કરી હતી. કયા હેતુસર ભૂમિ હડપ
કરી છે-કિંમતી છે એ પ્રમાણે અગ્રતાક્રમે ક્યાં હટાવવાલાયક છે એ કામ કર્યા બાદ તબક્કવાર
તમામ બાંધકામ તોડી પાડવામાં આવશે, પરંતુ
અગાઉ અનેક વખત આ પ્રકારનું વલણ તંત્રે અપનાવ્યા બાદ કાર્યવાહી થતી નથી, એટલે જ દબાણકારો બેખોફ બની ગયા છે. ફરી આવું તો નહીં થાય ને આ સવાલ સામે તેમણે
કહ્યું કે, ના, ઝુંબેશ શરૂ કરાશે જ અને
પોલીસ તંત્રને તૈનાત રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે, એવું
કલેક્ટરે ઉમેર્યું હતું. કચ્છમાં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ થવાની છે. આ વાતની ક્યાંક
દબાણકારોને ગંધ આવી જતાં મોટો ફાફડાટ પણ ફેલાયો હોવાની વિગતો બહાર આવી હતી. - કચ્છના ગ્રામીણ વિસ્તારમાં
ત્રણ હજારથી વધુ દબાણ : ભુજ, તા. 3 : કચ્છમાં ગ્રામીણ હોય કે શહેરી
તમામ વિસ્તારોમાં દબાણનો રાફડો ફાટયો છે. કયાંકને કયાંક તંત્રની મીઠી નજર તળે ખડાં
થતાં દબાણોને હટાવવાની કામગીરી તંત્રવાહકો માટે પડકારરૂપ કાર્ય બની જતું હોય છે. કચ્છના
ગ્રામીણ વિસ્તારની વાત કરીએ, તો સત્તાવાર
રીતે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ હજારથી વધુ દબાણો ચોપડે ચડેલાં છે. જિ.પંચાયતની દબાણ
શાખા દ્વારા વર્ષ દરમ્યાન 1400થી વધુ દબાણ દૂર કર્યાં હોવાં છતાં દબાણની સ્થિતિ જૈસેથીની જળવાયેલી
રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દબાણ દૂર કરવાની
જવાબદારી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની રહેતી હોય છે. જો કે, દબાણ દૂર કરવાનો આ પ્રશ્ન સતતને સતત પેંચીદો
બની રહ્યો છે ત્યારે દબાણને લગતી કામગીરીનાં સઘન નિરીક્ષણ કરવા હેતુ જિ.પંચાયત ખાતે
ખાસ માળખું ઊભું કરવામાં આવ્યું છે. જિ.પંચાયતની
દબાણ શાખા દ્વારા વાર્ષિક અહેવાલમાં રજૂ કરાયેલા આંકડાનું વિશ્લેષણ કરતા એ બાબત ધ્યાનમાં
આવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં ગૌચર કરતાં ગામતળનું દબાણ વધુ જોવા મળ્યુ છે. તંત્રના
ચોપડે ત્રણ હજારથી વધુ દબાણ નોંધાયેલાં છે તેમાં 800થી વધુ અને 2200થી વધુ ગામતળના દબાણનો સમાવેશ
થાય છે. તંત્રના દાવા અનુસાર સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સાથે સંકલનમાં
રહી વર્ષ દરમ્યાન 1400થી વધુ દબાણ
દૂર કરવામાં આવ્યાં છે, તો 100થી વધુ નવાં દબાણોને શોધી કાઢી
આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કચ્છના ગ્રામીણ વિસ્તારમાં વિશેષ રીતે ગૌચર જમીનની
સાથે ગામતળ કે જેમાં સરકારી પડતર જમીન પણ સમાવિષ્ટ છે તે જમીનોમાં અતિક્રમણે માથાંનાં
દુ:ખાવા રૂપ સમસ્યા સર્જી છે. આ ક્ષેત્ર સાથે સકંળાયેલા જાણકારોનું માનીએ, તો આ તો તંત્રના ચોપડે ચડેલાં દબાણની વાત છે,
પણ જે દબાણો તંત્રના ચોપડે ચડતા નથી તેનો આંકડો ઘણો ઊંચો છે. આ દબાણો
ખડકાવવા પાછળ કયાંકને કયાંક તંત્રની મીઠી નજર અને રાજકીય ઓથ હેઠળ હોવાની વાતને સાફ
શબ્દોમાં નકારાતી નથી. જે દબાણ તંત્રના ચોપડે
તારવાયેલાં છે તે જોતાં કિંમતી જમીન પર દબાણકારોએ પોતાનો સકંજો કસી તંત્રને રીતસરનો
પડકાર ફેંકયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.