કોડાય (તા. માંડવી), તા.2 : ગુજરાતમાં
છેલ્લાં પાંચ વર્ષમાં અંગદાનમાં વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ દર મહિને બે અંગદાન
થઈ રહ્યાં છે. ગાંધીનગર ખાતે રાજ્યમાં અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યરત અમદાવાદ
સ્થિત સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા
હોસ્પિટલ અને કેડી હોસ્પિટલના તબીબો તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તથા જીવનદીપ ફાઉન્ડેશનના
કાર્યકર્તાઓનું ગુજરાત વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા કચ્છ મોટી ખાખરના અંગદાન પ્રવૃત્તિમાં જોડાયેલા
નારણભાઈ ગઢવી (પીએસઆઈ)નું પરિવાર સહિત સન્માન કરાયું હતું. આ કામગીરી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને તબીબોને
સન્માન માટે વિધાનસભામાં આમંત્રિત કરાયા હતા તેમજ શાલ તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા
હતા. રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ, સિવિલ હોસ્પિટલના
સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી, યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના
ડેપ્યુટી જનરલ મેનેજર નિખિલ વ્યાસ વિ. ઉપસ્થિત રહ્યા હતા.