• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

ભુજમાં ગત વર્ષની તુલનાએ સફાઇ માટે 38 નાળાં વધ્યાં

ભુજ, તા. 2 : આગામી ચોમાસાને ધ્યાને લઇ ભુજ સુધરાઇ દ્વારા પ્રિમોન્સૂન કામગીરીનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત શહેરમાં નાના-મોટા મળી કુલ્લ 80 આસપાસનાં નાળાં સફાઇ માટે તારવાયાં છે અને આગામી દિવસોમાં સફાઇ કામગીરી શરૂ કરાશે. આ અંગે સુધરાઇમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વરસાદની સિઝનને ધ્યાને લઇ પાણીના અવરોધો દૂર કરવા સાથે નાળાંમાં સફાઇ સાથે ગંદકી, પથ્થર, રેતી તેમજ બિનજરૂરી ઝાડી કાપવા સહિતના કામ માટે ટેન્ડર બહાર પડાયાં છે જે આગામી તા. 5/4ના ખોલવામાં આવશે અને જે-તે કોન્ટ્રાક્ટરને સફાઇ કામ સોંપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભુજમાં 42 નાળાંની સફાઇ હાથ ધરાઇ હતી અને સુધરાઇ દ્વારા જ સફાઇ કામ કરાયું હતું. જ્યારે આ વર્ષે નાળાંમાં વધારો કરાયો છે અને  80 આસપાસના નાળાં સફાઈ માટે નજરાવાયા છે અને તે પણ ટેન્ડર મારફતે કોન્ટ્રાક્ટ પર સફાઇ કરાવાશે. ભુજમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે અને તેના આગમન સાથે જ ભુજવાસીઓના હૈયાં પુલકિત થઇ ઊઠતા હોય છે. જો કે, વરસાદી પાણી ભરાવાની સમસ્યા અનેક વિસ્તારોના રહેવાસીઓને સતાવતી હોય છે તથા ભારે વરસાદ થાય તો આ કોલોનીના લોકો ભયના ઓથાર હેઠળ રહે છે. અહીં નોંધનીય છે કે, છેલ્લા કેટલાંક વર્ષોથી ગટર સમસ્યાએ ભુજને બાનમાં લીધું છે. જો કે, સુધરાઇ દ્વારા કરોડોના ખર્ચે મોટી ગટરલાઇનનું કામ આગળ ધપી રહ્યું છે અને આશા રાખીએ કે, આવતા ચોમાસે વરસાદી પાણી સાથે ગટર ઊભરાવાની સમસ્યા નહીં સતાવે.- વરસાદી વહેણને અવરોધતાં પાકાં દબાણો તારવી દૂર કરવાં જરૂરી : ભુજમાં દબાણની પ્રવૃત્તિએ માઝા મૂકી છે ત્યારે વરસાદી વહેણને પણ દબાણકારોએ નથી છોડયા. શહેરમાં અનેક સ્થળે વરસાદી વહેણમાં પાકાં બાંધકામો કરી નખાયાં છે  ત્યારે સુધરાઇ દ્વારા આવાં દબાણો તારવી પાણી વહેણના અવરોધ દૂર કરવા જાગૃતો જણાવી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd