ભુજ, તા. 8 : નિરાધાર
મહિલાઓ અને બાલિકાઓ માટે અહીંનું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર `ઘર'
સમાન છે. ડી.પી.એ.ના સી.એસ.આર. ફંડમાંથી
રૂા. બાવન લાખના ખર્ચે આ `ઘર'માં નવનિર્મિત ભોજનાલય-રસોડું અને સ્ટોરરૂમને લોકાર્પિત કરાયા ત્યારે
ઘરના નિવાસીઓએ તાળીઓના ગડગડાટ અને જોશભેર આનંદની છોળોથી વાતાવરણ હર્ષમય બન્યું હતું.
આ કાર્યક્રમના અતિથિવિશેષ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દિલ્હીમાં વ્યસ્ત હોવાથી ઉપસ્થિત
રહી શક્યા ન હતા. તેમણે કેન્દ્રને આ લોકાર્પણ બદલ શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય મહેમાન
ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું
`બેટી બચાઓ બેટી પઢાઓ' સૂત્ર છે. આમ છતાં સામે આવતા મહિલાઓ સાથે દુરાચાર અત્યંત નિંદનીય અને
શરમજનક છે. આ વચ્ચે આ સંસ્થા જે કામ કરી રહી છે તે પ્રશંસનીય છે અને દીનદયાલ પોર્ટ
ઓથોરિટીના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જે દાન આપી આ કાર્ય થયું છે તે લેખે લાગે
તેવું કામ થયું હોવાનું જણાવી આ પ્રવૃત્તિ પ્રેરણાદાયક ગણાવી હતી. શ્રી પટેલે આ ઉમદા
કાર્યના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા હર્ષ દર્શાવી તમામ જરૂરી સહયોગ પૂરો પાડવા ખાતરી
આપી હતી. દીનદયાળ પ્રાધિકરણના પ્રથમ મહિલા નિશા સુશિલકુમાર સિંઘે પોતાના ઉદ્બોધનમાં
કહ્યું કે, આ નવું ભવન ફક્ત એક ઇમારત નથી, પરંતુ મહિલાઓના સશક્તિકરણ,
આત્મનિર્ભરતા અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો
પાયો છે. ડી.પી.ટી. હંમેશા સામાજિક કાર્ય માટે આગળ પડતું રહ્યું છે. ડી.પી.ટી.ના ચેરમેન
સુશિલકુમારના પત્ની નિશાબેને આશા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં આ કેન્દ્ર ત્રી સશક્તિકરણ
માટે પ્રેરણારૂપ બનશે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસે મહેમાનોને
શાબ્દિક આવકાર આપી આ પુન: નવનિર્મિત ભવનની ભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ મહિલા દિનની ઉજવણી વખતે આ કેન્દ્રમાં ઉપસ્થિત તત્કાલીન ડી.પી.એ.
ચેરમેન શ્રી મહેતાએ ડી.પી.એ.ના સી.એસ.આર. ફંડમાંથી આ કેન્દ્રમાં નવી સુવિધાઓ ઊભી કરવાની
જાહેરાત કરી હતી. આ બાદ અગ્રણીઓના સહકારથી આ કાર્યને વેગ મળતાં બે વર્ષમાં સંકુલ ઊભું
થયાનો હર્ષ દર્શાવી ડી.પી.એ.નો આભાર માન્યો હતો. 1954થી કાર્યરત આ કેન્દ્રનો ચિતાર આપતાં કમળાબેને
જણાવ્યું હતું કે, અહીં 0થી 6 વર્ષના બાળકો માટે શિશુગૃહ,
7થી 18 વર્ષની દીકરીઓ માટે ચિલ્ડ્રન હોમમાં તેઓના ભણવા
અને રક્ષણની જવાબદારી સંસ્થા નિભાવી રહી છે. આ ઉપરાંત 19થી 58 વર્ષની કાયદાના સકંજામાં ઘેરાયેલી મહિલાઓની સુરક્ષા
અપાઇ રહી છે. આ કેન્દ્રની આશરે 450 જેટલી
દીકરીઓને પરણાવીને પુન:સ્થાપન કરાયું છે. હાલમાં જ ચાર દીકરીઓને નોકરી અપાવીને તેઓ
પગભર કર્યા હોવાનું હર્ષભેર જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંચસ્થ ધારાસભ્ય કેશુભાઇ, દીનદયાળ પ્રાધિકરણના પ્રથમ મહિલા નિશા સિંઘ, ડેપ્યુટી ચીફ ઇન્જિનિયર શ્રીનિવાસ રાવ, કવિતા
રેડ્ડી, ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર વિપુલ ઢોરિયા, ચેરપર્સન
રીટાબેન અધ્યારૂ, કેન્દ્રના પ્રમુખ કમળાબેન રહ્યા હતા. તેઓએ
દીપ પ્રાગટયથી કાર્યક્રમને ખુલ્લો મૂકી અને ઢોલના નાદ સાથે નવનિર્મિત ભોજનાલય-રસોડું-સ્ટોરરૂમના
ભવનને રિબિન કાપી ખુલ્લાં મૂકતાં કેન્દ્રની મહિલાઓ રોમાંચિત બની તાળીઓના ગડગડાટથી વાતાવરણ
ગૂંજતું કર્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા મહિલા કેન્દ્રના હર્ષદ ઠક્કર, મહિલા અગ્રણી ગોદાવરીબેન ઠક્કર,
નગરસેવિકા રસીલાબેન પંડયા, જ્યોતિબેન ભટ્ટ, ડી.પી.એ.ના ડેપ્યુટી એન્જિનિયર ચેતન જેનિયા, સી.એસ.આર.ના ટીમ લીડર શ્રી ખુશલાણી, સિવિલ
એન્જિનિયર નિલેશ સચદે, ડી.પી.ટી.ના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ
દાદલાણી અને ડી.પી.એ.ના અગ્રણીઓ ઉપરાંત કચ્છ
મહિલા કલ્યાણ કેન્દ્રના દાતાઓ તથા કેન્દ્ર સાથે સંકળાયેલા મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હતા. ઇલાબેન મહેતાએ આભારવિધિ અને વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન ડી.પી.એ.
સાથે સંકળાયેલા સંગીતાબેન ટીલવાણીએ કર્યું હતું.