ગાંધીધામ, તા. 25 : મહારાષ્ટ્રના નાગપુર ખાતે ધ
જૈન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દેવવાણી સંસ્કૃત શ્લોકા ઓલિમ્પિયાડનો વાર્ષિક એવોર્ડ વિતરણ
સમારોહ યોજાયો હતો. જેમાં ભારતભરમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાવર્ગે ભાગ
લીધો હતો. ત્યારે ગાંધીધામની બે બાળાને શ્લોકાચાર્યનું બિરુદ મળ્યું હતું. ગાંધીધામની હેતવી કિરીટકુમાર જેઠવા અને શ્રેયશી
લચાપેટાને નાની વયે આ બિરુદ મળતા આ બંન્નેએ કચ્છનું નામ રોશન કર્યું હતું. આ સમારોહમાં
આદિપુરની એક્સેલ મોડલ હાઇસ્કુલમાં ધોરણ 4માં અભ્યાસ કરતી હેતવીએ સીંક્રો અકાદમી દ્વારા આ સ્પર્ધામાં
ભાગ લીધો હતો. શ્રેયશી જે ક્રાઈસ્ટ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ પ્રતિયોગિતામાં દસ લેવલ પસાર કરવા માટે
આ બન્ને બાળાએ 90 શ્લોકના વિડિયો બનાવ્યા હતા.
મોબાઈલના દોરમાં આ દેવવાણી દ્વારા બાળકોને સંસ્કૃત શ્લોકના જ્ઞાન અને તેનાથી થતા ફાયદાની
વાત સિંક્રોં અકાદમીના ડાયરેક્ટર કૌશલ છાયાએ કરી હતી. બન્ને બાળકીની ઉપલબ્ધિમાં હેમાંગીબેન
જેઠવા અને હેમાલીબેન લાખાણીનો સહયોગ સાંપડ્યો હતો. દેવવાણીના સી.ઈ.ઓ અને સંસ્થાપક ડાયરેક્ટર
હરીશભાઈ નાગપાલ, સ્વાતિ ચૂટે અને નીલમ ખૂંટિયાએ
પણ બન્ને વિજેતા વિદ્યાર્થીનીઓને અને તેમના માતા પિતાને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કચ્છમાંથી કનિકાબા જાડેજા, જીશા લાખાણી, હર્ષિત મિશ્રા આ ત્રણ બાળકો શ્લોકાચાર્યનું
બિરુદ મેળવી ચૂક્યા છે.