વિથોણ / નખત્રાણા, તા. 2 : નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યા
પછી અહીં હોટલો અને હોસ્પિટલની સંખ્યા વધતી જાય છે. પશ્ચિમ કચ્છનું મુખ્યમથક અને કચ્છનું
બારડોલી ગણાતા નખત્રાણા ગામે પાછલા 10 વર્ષમાં વેપાર-વ્યવસાય વધ્યા છે ત્યારે નાના-મોટા
ધંધાર્થીઓ, વેપારીઓ તેમજ અનેક રોકાણકારોએ નખત્રાણાને પોતાની કર્મભૂમિ બનાવી છે જેના
કારણે નખત્રાણામાં મકાન અને જમીનના ભાવ પણ આસમાને પહોંચ્યા હોવાની વિગતો બહાર આવી છે.
નખત્રાણાના પ્રવેશદ્વારે એસ.ટી. વર્કશોપથી માંડીને વિરાણી રોડ સુધીના ચાર કિ.મી. માર્ગ
ઉપર 35 જેટલી હોટલ આવેલી છે જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તાગૃહ ઉપરાંત નખત્રાણાનો વથાણ
ચોક નાસ્તો અને ખાણીપીણીનું હબ બની ગયો છે જે દરરોજ રાત્રે અને રવિવારે તો ખાસ ધમધમે
છે. પશ્ચિમ કચ્છના મુખ્યમથક નખત્રાણામાં 60 ટકા વસ્તી તો આજુબાજુના ગામના લોકો અને
દુકાન, વ્યવસાય ધરાવતા ગામના લોકોની છે જેમાં સરકારી કર્મચારીઓ જુદી જુદી કચેરીઓના
અમલદારો છે. નખત્રાણાની વસ્તીમાં એકાએક વધારો થવાથી રેસિડેન્સી એપાર્ટમેન્ટ પણ બની
રહ્યા છે. નખત્રાણાના ચૌમુખી વિકાસમાં ધારાસભ્ય અને સંસદસભ્યનું યોગદાન મોટું હોવાનું
પણ જાણકારોએ કહ્યું હતું. હોટલોની સાથે સાથે નાની-મોટી હોસ્પિટલો પણ વધુ પ્રમાણમાં
બની છે. અત્યારે લગભગ નાના-મોટા 20 દવાખાનાનું પદાર્પણ થયું છે અને થાય તે સ્વાભાવિક
છે. હોટલો અને નાસ્તાનું ચલણ એટલી હદે વધી ગયું છે કે લોકો ઘરનું ખાવાનું છોડીને બહારનું
ખાવાનું પસંદ કરે છે. આવો આહાર લીધા પછી દવાખાને જવું જ પડે તેમ છે એટલે હોસ્પિટલનું
હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે તેવું નાગરિકો કહી રહ્યા છે. છ વર્ષ પૂર્વે નખત્રાણામાં
માત્ર?સુપરમાર્કેટ જ હતી જેમાં સ્પેરપાર્ટ, હાર્ડવેર અને મશિનરી, મોટર રીવાઇડિંગની
દુકાનો હતી. અત્યારે વિશ્વકર્મા માર્કેટ ઓ.સી.પી. માર્કેટ બનીને નખત્રાણાનો વર્કશોપ
વ્યવસાય ગામથી બહાર હાઇવે ઉપર આવી ગયો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને ખેતી વ્યવસાયે
નખત્રાણાના વેપાર ધંધાને ઊંચાઇએ લઇ જવામાં મોટું યોગદાન આપ્યું છે. નખત્રાણાના વિકાસ
પછી નગર ટ્રાફિક સમસ્યાથી પીડાય છે. બેરૂ નાકાથી વથાણ ચોક સુધી છાશવારે ટ્રાફિક અવરોધ
સર્જાય છે જેમાં બસ સ્ટેશન વિસ્તાર રોજ ટ્રાફિક સમસ્યાનો ભોગ બને છે. વથાણ ચોક અને
વિરાણી જવાના ત્રણ રસ્તે રોજ વાહનો અટવાય છે. નખત્રાણા શહેરના ટ્રાફિક નિવારણ માટે બાયપાસ માર્ગની અનેક વખત રજૂઆતો કરવામાં
આવી, સર્વે પણ થયો પરંતુ કોઇ ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. બહારગામથી ખરીદી કરવા
આવતા લોકો માટે વાહન પાર્કિંગ પણ મોટી સમસ્યા છે. આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામ
સર્જાય છે તેવી ફરિયાદ ઉઠી હતી. નખત્રાણામાં પાછલા 10 વર્ષમાં વેપાર-ઉદ્યોગ, ધંધા-રેજગાર,
વર્કશોપ, મોટર ગેરેજ, સ્પેરપાર્ટ, વેલ્ડિંગ વર્કસની દુકાનો મોટેપાયે આવી છે જેના કારણે
નખત્રાણાનો પાંચ કિ.મી. માર્ગ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી સતત ધમધમી રહ્યો છે અને નખત્રાણા
શહેરની વસ્તીમાં ઝડપથી વધારો થયો છે. નખત્રાણામાં હોટલો અને હોસ્પિટલો ઠેકઠેકાણે જોવા
મળે છે. અત્યારે વર્તમાનમાં હોટલો એક સતત ધબકતો વેપાર છે અને દવાખાના પણ એક વ્યવસાય
બનતો જાય છે તેવા દ્રશ્યો જોવા મળે છે.