ભુજ, તા. 4 : હસ્તકલાની ઉત્કૃષ્ટ કલાકૃતિનું સર્જન કરી ભાતીગળ
કલાવારસાને જીવંત રાખનારા સુમરાસરના કારીગર કંચન સુખલાલ રાઠોડને રાજ્યના શ્રેષ્ઠ કારીગર
તરીકે સન્માન મળ્યું છે. ગુજરાત રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા `હાથસાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ 2023' માટે
ખારેક ભરતના વોલપીસની રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાને પસંદગી થઈ હતી. ગાંધીનગર ખાતે આયોજીત
કાર્યક્રમમાં મૂળ સુમરાસર (શેખ)ના અને હાલે ભુજ રહેતા કંચનબેનને કુટીર ઉદ્યોગ મંત્રી
બળવંતાસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) દ્વારા સન્માનિત
કરાયા હતા. કંચનબેન સુફ અને ખારેક ભરતમાં નિપુણતા
ધરાવે છે, તેઓને અગાઉ રાજ્યના સામાજિક અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ 2020-21નો રાજ્ય
કક્ષાનો સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા/સાહિત્ય એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ફેશન ટેકનોલોજીના છાત્રો અને ખાનગી યુનિવર્સિટીઓના છાત્રોને કચ્છની ભરતકલા માટેનું
માર્ગદર્શન આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેમની ઉત્કૃષ્ઠ કલા માટે રૂા.1 લાખની રકમ,
તામ્રપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમના નાનાબેન
દીપ્તિબેન રાઠોડને પણ ગત વર્ષે હાથસાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ એનાયત થયો હતો.