• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

કચ્છના ખેડૂતો-માલધારીઓનું ભવિષ્ય ઊજળું

ભુજ, તા. 12 : રાજ્ય સરકાર દ્વારા કચ્છ માટે મંજૂર કરાયેલી વેટરનરી કોલેજ માટેની જરૂરી માળખાકીય સુવિધાઓ સહિતની વિગતો મેળવવા કચ્છ આવેલા વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યોએ એરપોર્ટ રોડ પર આવેલાં ઘેટાં ઊન વિકાસ નિગમ, મરઘાં વિસ્તરણ કેન્દ્ર, શહેરના મુંદરા રોડ સ્થિત પશુરોગ સંશોધન કેન્દ્ર અને માનકૂવા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સુવિધાઓ મુદ્દે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હોવાનું ભુજના ધારાસભ્ય કેશુભાઈએ જણાવ્યું હતું. ખાવડા રોડ ખાતે આવેલાં ઘેટાં ઊન વિકાસ નિગમ ખાતે પ્રારંભે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલ, કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એન.એચ. કેલાવાલા, ડો. ભાવસાર, નવસારી યુનિ.ના ડો. ખરાડી, વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને જમ્મુથી આવેલા  સભ્યો ડો. હરિકૃષ્ણ, ડો. વેંકટેશ્વર અને ડો. પવન વર્મા, કચ્છના પશુપાલન ખાતાના પશુરોગ સંશોધન અધિકારી ડો. હરેશ ઠક્કર અને ડો. ઠાકોર વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ આ ટીમના સભ્યોએ પશુપાલન વિભાગ હસ્તકના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આવતીકાલે આ ટીમના સભ્યો ભુજથી સાત કિલોમીટરના અંતરે આવેલા સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ સૂરિ કરુણાધામની પણ મુલાકાત લેશે. ધારાસભ્ય કેશુભાઈએ જણાવ્યું કે, વેટરનરી કાઉન્સિલના સભ્યો ગુજરાતનો ચોથો ભાગ ધરાવતા વિશાળ કચ્છમાં પશુઓની સંખ્યાની દૃષ્ટિએ આ કોલેજ જરૂરી હોવાનું માની હકારાત્મક અભિગમ અપનાવ્યો છે, તેથી આ કોલેજ શરૂ થતાં કચ્છના માલધારીઓ અને ખેડૂતોનું ભવિષ્ય ઊજળું બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે, વેટરનરી કોલેજ માટે છેલ્લાં દોઢેક વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે, જેમાં અગાઉ દિલીપભાઈ દેશમુખ સાથે મળી નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે ચર્ચા કરી કોલેજ માટે ગત બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી, તો જગ્યા માટે પણ કૃષિમંત્રી રાઘવજીભાઈને મળી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી, જેના પ્રત્યુત્તરમાં જમીનનો પ્રશ્ન પણ ઊકેલાયો હતો. શ્રી પટેલે કહ્યું કે, વેટરનરીની સાથે-સાથે તાલુકાના કુકમા ગામ પાસે આવેલી કાઝરી ખાતે કૃષિ કોલેજ પણ શરૂ થાય, તેના માટે  પ્રયત્નો ચાલુ છે. આ કૃષિ કોલેજ શરૂ થાય તો હાલ અનુભવોના આધારે નવતર પ્રયોગો કરતા કચ્છના ખેડૂતોને ટેકનિકલ જ્ઞાનનો પણ લાભ મળશે, જેથી કચ્છના ખેડૂતો અને માલધારીઓનું જીવનધોરણ પણ ઊંચું આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang