• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

`આત્મનિર્ભર' ભુજ દૈનિક 22 મેગાવોટ `પ્રકાશ' પાથરે છે

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 30 : સૂર્યપ્રકાશ વડે વીજળી પેદા કરવાની ભારત સરકારની સૂર્યોદય યોજના અમલમાં આવ્યા પછી શરૂઆતમાં નબળા પ્રતિસાદ બાદ હવે જાગૃતિ આવતાં ધીમે ધીમે વીજળી ઉત્પાદન કરવા અનેક ઘરો `આત્મનિર્ભર' બની રહ્યા છે. કચ્છમાં ભુજ એકમાત્ર એવું શહેર છે જ્યાં ઘરની છતો ઉપર લાગેલી સોલાર પ્લેટ વડે 22 મેગાવોટ વીજળી પેદા કરતા જિલ્લામાં પ્રથમ નંબર મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રકાશનાં પર્વ શરૂ થાય છે ત્યાં અંધારા ઉલેચી લોકોએ પોતાનાં જ ઘરોમાં વીજળી પેદા કરી ઘર નહીં, શહેરમાં રોશની કરાવવાનો પ્રયાસ કર્યો છે. પી.જી.વી.સી.એલ.ના ભુજ સર્કલના અધીક્ષક ઇનજેર ભરત રાઠોડના જણાવ્યા પ્રમાણે ભુજ સિટી-1 સબડિવિઝને 16.52 મેગાવોટ સોલાર રૂફટોફ વડે વીજ ઉત્પાદન કરતાં કચ્છમાં સિટી-1ને પ્રથમ નંબર મળતાં સિટી-1ના નાયબ ઇજનેર શ્રી ઠક્કરની કદર કરવામાં આવી હતી. આખા રાજ્યમાં ગાંધીનગર ખાતે મળેલા પ્રશસ્તિપત્રમાં કચ્છમાં ભુજ સિટી-1 પેટાવિભાગનો સમાવેશ થાય છે એમ તેમણે જણાવ્યું હતું. આખા ભારતમાં એક કરોડ ગ્રાહકોને સબસિડીનો લાભ મળશે તેવી જાહેરાત બાદ ગ્રાહકો હવે જોડાતા જાય છે અને ભુજ સર્કલ હેઠળ અત્યાર સુધી 13,423 ગ્રાહકે પોતાનાં ઘરોમાં સોલાર પેનલ લગાવી દીધી છે અને વીજળી ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર પણ બન્યા છે. ભુજ શહેરના બે સબડિવિઝન હોવાથી બંનેમાં 71 હજાર કુલ વીજગ્રાહક છે, તેમાંથી 9,150 ગ્રાહક આ સૂર્યોદય યોજનામાં જોડાઇને પોતાની વીજળી ફ્રીમાં વાપરતા થઇ ગયા છે. ભુજ શહેરના બંને પેટાવિભાગ દ્વારા 22 મેગાવોટ દૈનિક વીજળી આ સોલાર પ્લેટમાંથી પેદા થાય છે. 22 મેગાવોટની સામાન્ય ગ્રાહકોને કેવી રીતે સમજ પડે તો આ અંગે નાયબ ઇજનેર શ્રી જસ્ટિન અને શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, એક હજાર કિલોવોટ બરાબર એક મેગાવોટ થાય છે. સામાન્ય રીતે જ્યાં એ.સી. નથી એવા એક કિલોવોટવાળા ઘરોની સંખ્યા વધારે છે. એટલે 22 મેગાવોટ ભુજમાં જે વીજળી પેદા થાય છે તે 22 હજાર ઘરમાં અજવાળું પાથરે છે, એમ સમજાવ્યું હતું. ભુજની સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક મેગાવોટ વીજળીની ખપત છે. જો 22 મેગાવોટ ભુજમાં જ વીજળી ઉત્પન્ન થતી હોય તો આવી 22 હોસ્પિટલોની વીજળીની ચિંતા મટે ને સ્થાનિકેથી જ પુરવઠો ઉપલબ્ધ થાય છે. ભુજ પછી બીજો નંબર કચ્છમાં ગાંધીધામ સબડિવિઝનનો આવે છે. ગાંધીધામના 13.32 મેગાવોટ અને રામબાગ પેટા વિભાગ 11.98 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. યોજનાની શરૂઆત થતાં જ એક કિલોવોટ દીઠ 18 હજારની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી અને કચ્છમાં 74,200 ઘરમાં યોજનાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ શરૂઆતમાં નબળો પ્રતિસાદ મળ્યા પછી હવે ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે, એમ શ્રી રાઠોડે જણાવ્યું હતું. એક યુનિટ સોલાર વીજળી ઉત્પન્ન કરવા પાછળ ગ્રાહકોને પ્રતિયુનિટ દીઠ રૂા. 2.50 પી.જી.વી.સી.એલ. સામે ચૂકવે છે ને મળેલી જાણકારી પ્રમાણે ત્રણ કિલોવોટ સોલારમાંથી દરરોજ અંદાજે 17થી 20 યુનિટ વીજળી પેદા થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. કચ્છમાં એમ.ડી. તરીકે આવેલા પ્રીતિ શર્માએ વીજતંત્રની કામગીરીમાં વધારો કરવાનું ધ્યેય રાખ્યું હોવાથી તેમના આવ્યા પછી પરિણામો મળતાં થયા હોવાનું પણ જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang