ભચાઉ, તા. 6 : જરા માત્ર વરસાદમાં શહેર અને હાઈવેના માર્ગોની
હાલત ખખડધજ થઈ જવાના અનેક બનાવ બને છે. આ વીજ સ્થિતિ ભચાઉ દુધઈ રોડ ઉપર માતબર રકમના
ખર્ચે બનાવાયેલા માર્ગની હાલત ગાડાંવાટ કરતા પણ બદતર બની જતા લોકોને ભારે મુશ્કેલી
પડી રહી છે. ભુજ -દુધઈ રોડ ઉપર રેલવે ફાટક
ઉપર બનેલા ઓવરબ્રિજ નજીક થોડા વરસાદમાં જ મસમોટા ગાબડાં પડી ગયા છે, જે નબળા કામની
ચાડી ખાય છે. ખાડામાં પાણી ભરાઈ જતા અનેક
વાહનો દિવસના પણ ખાડા ચુકી જતા અકસ્માતની દહેશત સતાવી રહી છે. ભુજ-દુધઈ તરફથી પુલ ઉતરી
ભચાઉ આવતા વાહનો માટે આ પ્રકારના ખાડાઓ જોખમી બની રહ્યા છે. સત્વરે કાર્યવાહી કરવામાં
આવે તે સમયની માંગ છે. રાત્રીના અરસામાં આ
પ્રકારના ખાડાના કારણે જીવલેણ અકસ્માત સર્જાય તેવી દહેશત લોકોને સતાવી રહી છે. પુરપાટ
ઝડપે આવતા વાહનો પાણી ભરાયેલા ખાડા ધ્યાનમાં ન
આવે તો જીવલેણ અકસ્માતની ભીતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરોડોના ખર્ચે બનેલા
આ પુલના ઉદઘાટન દરમ્યાન પણ તીરાડો પડી હોવાની બાબત સામે આવી હતી. ટ્રાફીકની સુખાકારી માટે બનેલા
આ પુલમાં રસ્તાના નબળા કામના કારણે હાલ વાહન
ચાલકોને મુશ્કેલી અનુભવાય છે. તંત્ર ગંભીર ઘટના પુર્વે ઘટતી કાર્યવાહી કરે તે સમયની
માંગ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.