વસંત અજાણી દ્વારા : ભુજ, તા. 25 : અહીંના સરપટ નાકાથી આઠ કિ.મી.નાં
અંતરે ખાવડા માર્ગે આવેલું પૌરાણિક ખેતરપાળ-સનદાદા સ્થાનકે ભાવિકોની સુવિધાર્થે રૂા.
17 લાખના ખર્ચે વિવિધ બાંધકામો
કરવામાં આવ્યાં છે. દેવ સ્થાનકના સેવક ભૂપેન્દ્ર રેવાશંકર માકાણી (દેવકૃપા) વિગતે વાત
કરતાં જણાવ્યું હતું કે, કચ્છી રાજગોર
માકાણી નુખના ક્ષેત્રપાળ સ્થાનકે જૂની સુવિધા જર્જરિત થયા બાદ નૂખના સેવકગણ,
અન્ય સ્થાનક પ્રત્યે શ્રદ્ધા-આસ્થા ધરાવતા ભાવિકો તેમજ કચ્છ જિલ્લા પંચાયતના
પ્રમુખની સરકારી ગ્રાંટના સહયોગથી નવી સુવિધાઓ આકાર પામતાં ભાવિકોમાં ખુશી વ્યાપી ગઇ
છે. કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલાં દેવાલયનાં દર્શને આવતા ભાવિકોની સગવડ માટે 2000 ફૂટનો સત્સંગ હોલ, અન્નપૂર્ણા ઘર, 1000 ફૂટનો પૂજારી આવાસ, ચબૂતરો તેમજ આખાય પરિસરને કલરકામ વિ. પ્રકલ્પો
સાકાર થયા છે. આ અગાઉ નવાં મંદિર પરિસરમાં ઇન્ટરલોક, ભાવિકોને
બેસવા સિમેન્ટના બાંકડા, ચારેબાજુ કમ્પાઉન્ડ વોલ તેમજ જ્યાં વર્ષોથી
ગંગાનાં નીર અવિરત વહી રહ્યાં છે. કૂંડ સહિતનાં કામો કરાયા હોવાનું સ્થાનક સંચાલક ભૂપેન્દ્રભાઇએ
કચ્છમિત્રને વિગત આપતાં જણાવ્યું હતું. ચારેબાજુ ડુંગર અને વનતંત્ર દ્વારા ઊભા કરાયેલાં
તળાવ અને વૃક્ષારોપણથી સ્થાનકની શોભામાં વધારો થયો છે. રસ્તાની વચ્ચે વહેતા ખારી નદીનાં
નીરે પર્યટકો માટે આકર્ષણ ઊભું કર્યું છે. બાંધકામ માટે રાજગોર માકાણી નૂખના ભાવિકો
તેમજ સ્થાનકે આસ્થા ધરાવતા અન્ય ધર્મપ્રેમી ભાઇઓ અને ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઇ
ગોર, મહામંત્રી ભરત ગોર, ઝીંકડીના સરપંચ
વાલાભાઇ આહીર સહિતના આગેવાનોનો સહકાર સાંપડયો
છે.