ભુજ, તા. 19 : કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા સીમાદર્શન સહિતના જે કામો પ્રગતિમાં છે તેનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના અગ્રસચિવ પી. કે. મિશ્રા કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે.અગ્રસચિવ અને ભારત સરકારના સલાહકાર શ્રી મિશ્રા કચ્છમાં સરહદ પર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે થતી કામગીરી, સીમાદર્શન ઉપરાંત ચેરિયાંનાં જંગલમાં પર્યટકો માટેની વ્યવસ્થા જેવા અનોખા પ્રોજેક્ટ અંગે તેઓ કાલે નિરીક્ષણ કરવાના છે. તેઓ આજે ભુજ આવીને સૌથી પહેલાં સ્મૃતિવનની મુલાકાત લીધી હતી અને સ્મૃતિવનના બીજા તબક્કાના વિસ્તરણ વગેરે બાબતે રાજ્ય સરકારના પ્રવાસન સચિવ હારિત શુક્લા સાથે ચર્ચા કરી હતી. શ્રી શુક્લાએ જણાવ્યું હતું કે, કાલે લક્કી નાળાં વિસ્તારમાં દરિયાઇ પર્યટન, સીમા પ્રવાસન વિશે કોટેશ્વર, નારાયણ સરોવર વિસ્તારમાં જઇને અભ્યાસ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે અને ઇકો ટૂરિઝમ, બાયોડાયવર્સિટી પ્રવાસન વિકસાવવા અંગત રસ દાખવ્યો હોવાથી ભારત સરકાર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે કામગીરી આરંભી હોવાથી શ્રી મોદીના અત્યંત વિશ્વાસુ ઉચ્ચ અધિકારી શ્રી મિશ્રા કચ્છ આવી પહોંચતાં આવનારા દિવસોમાં કચ્છના આ સરહદ અને દરિયાઇ પર્યટનને મોટો વેગ મળે તેવી શક્યતાઓ બંધાઇ છે.લક્કી નાળાથી એક બોટમાં પર્યટકોને બેસાડી સરહદ સાથે જોડાયેલા સમુદ્રી અને ક્રીક વિસ્તારનો રોમાંચ માણવા મળે છે એ સ્થળની પણ તેઓ મુલાકાત લેશે તેવું શ્રી શુક્લાએ જણાવ્યું હતું. તેઓની સાથે સીમા સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલ, કચ્છના કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવ ઉપરાંત બી.એસ.એફ.ના અધિકારીઓ સાથે રહ્યા હતા. દરમ્યાન, ના.સરોવરથી અમારા પ્રતિનિધિના હેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારી આવતા હોવાથી ના. સરોવરમાં વનતંત્ર, બી.એસ.એફ., સ્થાનિક તંત્ર સહિતના અધિકારીઓ તૈયારીમાં જોવા મળ્યા હતા.