ગાંધીધામ, તા. 23 : અહીંની નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વોર્ડ-7ને મોડેલ વોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ અંગે આજે સુધરાઇ કચેરી ખાતે બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ સૂચનો કરાયાં હતાં. ગાંધીધામ નગરપાલિકા દ્વારા જોડિયાનગરને સ્વચ્છ બનાવવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ અંતર્ગત વોર્ડ નંબર 7 અને 10ને મોડેલ વોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે, જેમાં પ્રથમ ચરણમાં વોર્ડ નં. 7નો સમાવેશ કરાયો છે. આ વિસ્તારમાં આગામી તા. પહેલીથી 31 માર્ચ દરમ્યાન ઝુંબેશરૂપે કામગીરી કરાશે. મોડેલ વોર્ડ બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે આજે સુધરાઇ કચેરીમાં બેઠક યોજાઇ હતી, જેમાં પ્રમુખ તેજસભાઇ શેઠ, સેનિટેશન ચેરમેન ગાવિંદભાઈ નિંજાર, ઈન્દોરની એજન્સીના સંચાલક, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી, સેનિટેશન ઇન્સ્પેકટર કરણભાઈ ધુવા, ડી.ડબ્લ્યુ.સી.ના સંચાલક અજિતાસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં મોડેલ વોર્ડ અંતર્ગત કેટલા વાહનો ફાળવવા, સફાઈ કામદારો વગેરે સંદર્ભે ચર્ચા કરાઇ હતી. મોડેલ વોર્ડ બનાવવાની ઝુંબેશમાં ઈન્દોરની એજન્સીના 25 જેટલા કર્મચારી દ્વારા નાગરિકોને સૂકા અને ભીના કચરાનો યોગ્ય નિકાલ કરવા, ગંદકી ન કરવા બાબતે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. આ અંગે સુધરાઇ પ્રમુખ તેજસભાઇએ જણાવ્યું હતું કે, આગામી તા. 1/3થી વોર્ડ-7ને મોડેલ વોર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના ભાગરૂપે બેઠક યોજાઇ હતી. માટિંગમાં જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. આ વિસ્તાર બાદ એજન્સીની કામગીરીનો તાગ મેળવી તબક્કાવાર અન્ય વોર્ડને પણ મોડેલ વોર્ડની કામગીરીમાં સમાવેશ કરવામાં આવશે.