• મંગળવાર, 23 જુલાઈ, 2024

પિતાને વૃદ્ધાશ્રમ જતા રોકીને અંતે છ દીકરીઓએ મુખાગ્નિ આપી

કેરા (તા. ભુજ), તા. 12 : હવે તો ધાર્મિક સંસ્થાઓ પણ?માતા-પિતાની સેવા કરવાના સદ્ગુણો આરોપવા સાથે વૃદ્ધાશ્રમોના નિર્માણ કરાવી રહી છે, તો બીજીબાજુ વિધુર પિતાને વૃદ્ધાશ્રમ જતાં રોકી સેવા કરી દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી પ્રેરણા સર્જી છે. ભુજ તાલુકાના બળદિયાના મૂળ રહેવાસી જેરામભાઇ બારમેડા (સોની)નું ભુજમાં તાજેતરમાં અવસાન થયું હતું. બે વર્ષ પહેલાં ધર્મપત્નીની કાયમી વિદાય થઇ ત્યારે જેરામભાઇના મનમાં એમ થયું કે પુત્ર નથી તો હું પરિવાર ઉપર બોજ બની જઇશ. તેમણે પોતાની સાસરે ગયેલી દીકરીઓને વાત કરી કે મને વૃદ્ધાશ્રમમાં જવું છે. જીવનના અંતિમ વર્ષો ત્યાં વિતાવીશ. દીકરીઓએ સાફ ના પાડી, ધ્રૂસકે રડી કહ્યું, બાપુજી, અમે ભલે તમારો દીકરો નથી પણ અમને સાનો મોકો આપો, અમે તમને અમારી નજરથી દૂર થવા નહીં દઇએ. દીકરીઓની જીદ આગળ લાભણીભીના પિતાએ વાત સ્વીકારી. દીકરીઓએ પણ સમર્પિતતાથી સેવા ચાકરી કરી ફરજ નિભાવી. લાડકોડમાં જેણે પોતાનું જીવન ઘસી નાખ્યું તેવા પિતાના અંતિમ વર્ષોની સેવામાં લાકડીઓએ જરાય કચાશ રાખી. તાજેતરમાં પિતાએ અનંતની વાટ પકડી ત્યારે પુત્રીઓ હાજર રહી, અંતિમવિધિ પરિપૂર્ણ કરી, કાંધ આપી, મુખાગ્નિ પણ આપીને પિતૃ તર્પણવિધિ કરી ફરજ નિભાવી ત્યારે પરિવારને ઓળખતા વર્તુળોએ ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. ઘટનાએ હિન્દુ વૈદિક સંસ્કૃતિની પરંપરાની મજબૂતાઇના દર્શન કરાવ્યા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang