• સોમવાર, 22 જુલાઈ, 2024

રાજ્ય પોલીસવડાની કચ્છ મુલાકાતની હકારાત્મક્તા કાયમી બને

નિખિલ પંડયા દ્વારા  : ભુજ, તા. 11 : રાજ્યના પોલીસવડાએ કચ્છની ચાર દિવસની મુલાકાત લઇને વિવિધ સ્તરે યોજેલી બેઠકો અને પ્રવાસ આગામી દિવસોમાં રાષ્ટ્રીય સલામતી માટે ભારે મહત્ત્વના બની રહેશે તેવી આશા જાગી રહી છે. રાજ્ય પોલીસવડા વિકાસ સહાયની સૌથી લાંબી કચ્છ મુલાકાત સરહદી નાગરિકો અને પોલીસ દળ માટે મજબૂત વિચારધારાના ઉદ્ભવ સમાન બની રહેશે એવી અપેક્ષા સંબંધિત વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. સાથોસાથ પોલીસ તંત્રને રાષ્ટ્રીય સલામતીના સંદર્ભમાં વધુ સજ્જ અને તાલીમબદ્ધ કરવા આગામી દિવસોમાં રાજ્યસ્તરે નક્કર કાર્યક્રમ ઘડાય તેવો ઉત્સાહ વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યના ડી.જી.પી. શ્રી સહાયે તેમની મુલાકાત દરમ્યાન રણ અને ક્રીક સરહદોની મુલાકાત લેવાની સાથોસાથ કચ્છમાં કાર્યરત વિવિધ સલામતી દળો અને ગુપ્તચર એજન્સીઓની સાથે વિચારોની આપ-લે કરી અને ખાસ તો તેમણે સરહદી વિસ્તારમાં કાર્યક્રમ યોજીને ત્યાંના રહેવાસીઓને દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનું આહ્વાન કર્યું તેવું અત્યાર સુધી બન્યું નથી. સામાન્ય રીતે પાટનગર ગાંધીનગર ખાતેથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સતત નજર રાખતા ઉચ્ચ અધિકારીએ સરહદી કચ્છની અલગ ખાસિયત અને પડકારોની જાત માહિતી મેળવી તે આગામી દિવસોમાં સલામતીનાં નવાં સમીકરણો રચશે એવી આશા જાગી છે. આમ તો કચ્છમાં પોલીસની સલામતી વ્યવસ્થાની સાથોસાથ દેશ વિરોધી પ્રવૃત્તિ અને પડકારોના સામનાની અલગ જવાબદારી રહી છે. વિશેષ જવાબદારી ધરાવતી પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસને રાજ્યના અન્ય જિલ્લા કરતાં અલગ આભા આપે છે. રણ અને કાંઠાળ સરહદે સીમા દળ પછીની સલામતીની હરોળ બનતી કચ્છ પોલીસે ભૂતકાળમાં મોતના સામાનથી માંડીને કેફી દ્રવ્યો અને સોના-ચાંદીની દાણચોરી સામે સફળ ઓપરેશન પાર પાડીને દેશભરમાં ડંકો વગાડયો છે. રણ સરહદે કાંટાળી વાડ લાગી ચૂકી છે, પણ કપરી ક્રીક સરહદેથી કેફી દ્રવ્યો ઘુસાડવાની પ્રવૃત્તિનો પડકાર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ પરના આતંકી હુમલાના ઘૂસણખોરો કચ્છના કાંઠાની નજીકથી બોટ વાટે દેશમાં પ્રવેશ્યા હતા. બધા પડકારોને પહોંચી વળવા પોલીસે તે સમયે કમર કસી હતી. સંદર્ભમાં હવે જિલ્લામાં કંડલા, મુંદરા, માંડવી અને જખૌમાં ખાસ મરિન પોલીસ મથકો કાર્યરત કરાયાં છે. મથકોને સંલગ્ન પેટ્રોલિંગ બોટ પણ તે સમયે ફાળવવામાં આવી હતી. ગુજરાત પોલીસે ખાસ કોસ્ટલ પોલીસ પાંખ પણ તાલીમબદ્ધ કરીને કાર્યરત કરી છે, તો બોર્ડર વિસ્તારમાં કામ કરતા દળના સ્ટાફ માટે ખાસ એલાઉન્સ અને અન્ય લાભો વિશે પણ વિચારણા આગળ વધારવી જરૂરી છે. હવે થોડી વાસ્તવિકતા પર નજર રાખવા જેવી છે. પોલીસની મોટાભાગની બોટ હાલે ગ્રાઉન્ડ છે. બોટ હવે બદલવા જેવી થઇ ગઇ હોવાનું પણ જાણકારો કહે છે, તો કોસ્ટલ પોલીસ થાણાં હવે સામાન્ય પોલીસ થાણાંથી અલગ રહ્યાં નથી. પશ્ચિમી સાગરકાંઠાનાં સૌથી મોટાં માછીમાર બંદર જખૌથી દરિયામાં છેક પાકિસ્તાન સરહદ નજીક જઇને માછીમારી કરતી સેંકડો બોટની ઉપર નજર રાખવાની કાયમી વ્યવસ્થા હજી અધૂરી છે. રાજ્યના પોલીસવડાએ ભુજમાં ઉચ્ચકક્ષાની બેઠક યોજી તેનાથી સરહદી સલામતીના મામલે સંકલન વધુ સાતત્યપૂર્ણ થશે એવી આશા જાગી છે, પણ સંકલનને સતત જાળવી રાખવા માટે કાયમી વ્યવસ્થા ગોઠવવા રાજ્ય પોલીસે અન્ય એજન્સીઓને પ્રોટોકોલ અને રેન્કના અંતરાયો છોડવાની સમજાવટ કરવાની ખાસ જરૂરત બની રહેશે. સૌથી ઉલ્લેખનીય બાબત છે કે, શ્રી સહાયે સરહદી કુરનમાં લોકોને સંબોધીને દેશ માટેની જવાબદારી પ્રત્યે સચેત રહેવા અને પ્રતિબદ્ધ રહેવા જે હાકલ કરી તે અનોખી બની રહી છે. રીતે ઉચ્ચ અધિકારીઓ લોકોના મોટા સમૂહની સાથે સતત સંવાદ કરે તો સરહદી વિસ્તારને દેશની મુખ્યધારા સાથે વધુ મજબૂતી સાથે જોડી શકાય તેમ છે. રાજ્યના પોલીસવડાની અનોખી અને મહત્ત્વપૂર્ણ મુલાકાતથી સરહદી કચ્છમાં સલામતીની અનોખી પહેલ આકાર લઇ ચૂકી છે, તેને અનુરૂપ પોલીસ દળને સાબદું અને તાલીમબદ્ધ રાખવા માટે ખાસ કાર્યક્રમ તૈયાર કરીને અમલી બનાવાય તો તે ખરા અર્થમાં સોનાંમાં સુગંધ જેવું કામ કરી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang