• સોમવાર, 22 જુલાઈ, 2024

ટ્રાફિક-સાયબર ક્રાઇમ જાગૃતિ, ડ્રગ્સ નાબૂદીના કોલ સાથેની દોડ

ભુજ, તા. 11 : પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટસ મીટ-2024 અંતર્ગત આજે પશ્ચિમ કચ્છના દરેક પોલીસ મથક દ્વારા પોતાના વિસ્તારમાં ભવ્ય મેરેથોન દોડનું આયોજન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક નવી પહેલ સ્પોર્ટસ મીટના ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન થયું હતું. આજે અંતિમ દિવસે ઠેરઠેર મેરેથોન યોજાઇ હતી. પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવાના હેતુસર તમામ સમાજ-વર્ગને એકસાથે લઇ?ચાલવાના તેમજ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે વધુ સંકલન કરવાના તથા ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ નાબૂદી, સાયબર ક્રાઇમ જાગૃતિ અને સરહદ સુરક્ષાને વધુ સુદ્રઢ કરવાના હેતુસર સ્પોર્ટસ મીટ યોજાઇ હતી. - માંડવીમાં બાળકોથી મોટેરા દોડયા  : માંડવી પોલીસ અને માંડવી મરીન પોલીસના સંયુકત ઉપક્રમે આજે માંડવીમાં આઝાદ ચોકથી નવા સ્વામિનારાયણ મંદિર, લાયજા રોડ, સોનાવાળા નાકા, કલ્યાણ ચોક, હેડ પોસ્ટઓફિસ રોડ, ગઢશીશા ત્રણ રસ્તાથી શીતલા માતાજી મંદીર સુધી મેરેથોન દોડનું આયોજન કરવામાં અવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત મરીન કમાન્ડો, મામલતદાર કચેરી, નગર સેવા સદન, સરકારી કચેરીઓ, મહિલા મંડળો, નાના બાળકો, સિનિયર સિટીઝનો, સાઈકલ કલબના સભ્યો વિગેરેએ ઉમર પ્રમાણે વિભાગો પાડી ઉત્સાહપૂર્વક સર્વેએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકોને સ્ટિકર નંબર પ્રમાણે લગાવી આગવું આકર્ષણ ઊભું કર્યું હતું. મેરેથોનમાં પી.આઈ. શીમ્પીએ સ્ટાર્ટ આપતી વખતે સવારે ઠંડીમાં  વહેલા આટલી મોટી સંખ્યામાં આવી જવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. વર્ષનાં બાળકથી લઈ 70 વર્ષના મોટેરા મેરેથોનમાં જોડાયા હતા. વ્હોરા સમાજના યુવાનોએ જાહેરમાં પોલીસને સહયોગની ખાતરી દર્શાવતાં તેમની ભાવનાને પીઆઈ તથા મામલતદાર બી.કે. ગોકલાણીએ બિરદાવ્યા હતા. વિવિધ વિભાગોમાં 3-3 વિજેતાઓને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વરૂપસિંહ રાઠોડ, પાલુભાઈ ગઢવી, વનરાજભાઈ ખેર, જુસબ આમદ, સલીમ ઉંમર, અજિતસિંહ રાઠોડ, આમદ હુસેન,  ચેતનભાઈ જોશી (હેડકલાર્ક, માંડવી નગર સેવા સદન),  પરસોત્તમભાઈ બાલાચપરિયા, ક્રિશિવ માંગલિયા, નિશાબેન મકવાણા, નર્મદાબેન માતંગ, જયશ્રીબેન જોશી, આર્ય ગુંસાઈ,  આદિત્ય લીંબાણી, વ્યોમ ધોળુ, નીકિતા બારૈયા, પ્રિન્સી બારૈયા, વંશિકા માલમ વગેરેને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા. - મુંદરામાં 1123 દોડવીર દોડયા : મુંદરા તથા મુંદરા મરીન પોલીસના સંયુકત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન મુંદરા મરીન પોલીસ મથકેથી વિદ્યાભારતી સ્કૂલ પાસે, મંગલમ મેદાન, બારોઈ રોડ મુંદરા સુધી કરવામાં આવ્યું હતું, જ્યાં કુલ 1498 દોડવીરોએ નામાંકન કરાવેલું જે પૈકી અલગ-અલગ કેટેગરીમાં કુલ 1123 દોડવીરોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. મેરેથોન દોડના અંતે દરેક કેટેગરીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા કુલ 18 મહિલા અને પુરુષ દોડવીરો તથા સેનાના સેવાનિવૃત્ત જવાનોને મેડલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ વર્ષ 2023માં પેરા પાવર લિફ્ટિંગ બોડી વેઈટ 88 કિલો કેટેગરીમાં મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ દિનેશભાઈ લાડાણી બ્રોન્ઝ મેડલ વિજેતા હોઈ તેઓને તથા રોડ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલી વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અમૂલ્ય માનવ જિંદગીને બચાવી `ગૂડ સમરિટર્ન' તરીકે જિલ્લામાં સન્માન મેળવનાર ઈશાક દાઉદભાઈ કુંભાર (રહે દેશલપર - તા. મુંદરા)ને સન્માનિત કરવામાં આવ્યા હતા. - નખત્રાણામાં વડીલોએ રંગ રાખ્યો : નખત્રાણા પોલીસ મથક દ્વારા આયોજિત મેરેથોન દોડ મોટી વિરાણીથી સંતકૃપા વિદ્યાલય સુધી 3 કિ.મી.ની દોડમાં 40 વર્ષની ઉંમરથી નીચેના 200 તથા 40 વર્ષથી ઉપરના 50 સમર્થકે દોડમાં ભાગ લીધો હતો. સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ટ્રાફિક નિયમન, લોકોની સુરક્ષા, વિવિધ પોલીસ તંત્રની ફરજમાં આવતી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક સંભાળવા જણાવ્યું હતું. પ્રાંત અધિકારી સૂરજ સુથાર, પી.આઇ. શ્રી ઇશરાની, સંતકૃપા વિદ્યાલયના ટ્રસ્ટી મુરુભા જાડેજા, તા. શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, વિરાણી સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઇ બળિયા, વિદ્યાલયના કર્મચારી-શિક્ષક મંડળ સહિત ઉપસ્થિતો વચ્ચે 40 વર્ષથી નીચેના (1) રબારી રવિ વંકાભાઇ (પ્રથમ) (2) કરમટા મમુ મેરીભાઇ (દ્વિતીય) (3) રબારી  વજા મમુભાઇ (તૃતીય), બહેનોમાં (1) દક્ષા વરસાણી (2) આહીર ગીતા હમીરભાઇ (3) જેપાલ કવિતા રામાભાઇ, 40 વર્ષથી ઉપરના વિજેતા (1) રતડ નરસિંહ આશાભાઇ (2) વાળંદ ભાવેશ જેન્તીલાલ (3) લોંચા હરેશભાઇ રામજી, બહેનોમાં (1) રેખાબેન શંકરભાઇ (2) વણકર જવેરબેન જીવરાજ (3) ગોહિલ નીરુબેન પરસોત્તમ, 14 વર્ષથી નાના (1) નાથાણી શુભમ વસંતભાઇ (2) ઠાકોર કાર્તિક શૈલેષભાઇ (3) રાઠોડ અરપાલસિંહ ગોપાલજી તથા વાળંદ ધાનીબેન ભાવેશભાઇ, અગ્રતાક્રમે આવેલા દોડવીરોને મેડલથી  સન્માનિત કરાયા હતા. મોટી વિરાણી બસ સ્ટેશન પાસે ઉમંગભેર જોડાયેલા સમર્થકો-દોડવીરોને ધારાસભ્ય શ્રી જાડેજાએ લીલીઝંડી આપી શરૂઆત કરાવી હતી. દોડમાં સૌથી વધુ સંતકૃપા વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા હતા તથા પોલીસ, જી.આર.ડી.ના જવાનો સહિત વિસ્તારના ગામોના ભાઇ-બહેનો દોડમાં જોડાયા હતા. - ખાવડામાં મેરેથોન સાથે વૃક્ષારોપણ : પશ્ચિમ કચ્છ પોલીસ સ્પોર્ટસ મીટ-2024 અંતર્ગત ખાવડા પોલીસ સ્ટેશન ખાતે મેરેથોન દોડના યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય રશીદભાઇ સમાએ આવા કાર્યક્રમ યોજવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. ખાવડા લોહાણા મહાજન પ્રમુખ હીરાલાલ રાજદેએ ખાવડામાં પોલીસ દ્વારા બીએસએફ, એરફોર્સ સહિતના જવાનો અને સ્થાનિક લોકોના સંયોજનથી પ્રથમ વખત યોજાયેલા કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવીને હાલમાં પીએસઆઇ તરીકે આવેલા જયદીપસિંહ સરવૈયાએ પોલીસ અને સ્થાનિક લોકોને સાથે મળીને કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હોવાનું જણાવી સરહદ પર હંમેશાં આવી જાગૃતિ રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. એરફોર્સના અધિકારી સુખવિંદર સિંઘ અને બીએસએફના પી.આઇ. શ્રી બ્રોજને બંને સુરક્ષા એજન્સીના જવાનોને જોડવા બદલ આભાર માન્યો હતો. ખાવડા પી.એસ.આઇ. જયદીપસિંહ સરવૈયાએ બીએસએફ, એરફોર્સ, પીજીવીસીએલ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, સેન્ટ્રલ આઇ.બી., સોલારીસ ફેક્ટરી, વીઆરટીઆઇ વિગેરેના સહયોગ બદલ આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે મંચસ્થ મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. પ્રારંભમાં હે.કો. માલદેભાઇએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.  - દયાપરમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો દ્વારા લીલીઝંડી : દયાપર પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલી મેરેથોન દોડની સરદાર રેસ્ટોરન્ટથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્પર્ધકો અને આગેવાનોને શપથ લેવડાવામાં આવ્યા બાદ કોમી સૌહાર્દભર્યું વાતાવરણ જળવાઇ?રહે તે હેતુથી મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો દ્વારા લીલીઝંડ આપી મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી, દયાપર ગામમાંથી પસાર થઇ ત્યારે જય માતાજી મિત્ર મંડળ દયાપર દ્વારા સ્પર્ધકોને લીંબુ પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમાં પ્રથમ લોકરક્ષક વિજયસિંહ દરબાર, દ્વિતીય લોકરક્ષક ભાવસિંહ રાઠોડ તેમજ તૃતીય નંબરે દિલીપસિંહ સોઢા (સુભાષપર) આવતા એસબીઆઇ બેન્ક દયાપરના સૌજન્યથી મળેલી ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. - અબડાસાએ પણ દોડ લગાવી : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આજે સવારે નલિયા પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા તાલુકા ભાજપ મહામંત્રી જયદીપાસિંહ જાડેજા, અબડાસા બાર એસોસિયેશન પ્રમુખ એડવોકેટ એમ. . ખત્રી, મરીન કમાન્ડો પીઆઈ બી. ડી. મારૂ, નલિયા પીએસઆઇ આર. બી. ટાપરિયાની ઉપસ્થિતિમાં પ્રથમ શિવ પેટ્રોલિયમ પાસે મેરથોન દોડમાં ભાગ લેનારાઓને શપથ લેવડાવી અને ત્યાંથી દોડવીરોને પ્રસ્થાન કરાવી અને  જંગલેશ્વર મેદાન ખાતે  મેરેથોન દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ આવનાર જયદીપાસિંહ જાડેજા (મરીન કમાન્ડો), બીજા ઓઢેજા મુસ્તફા (જીઆરડી જવાન) અને ત્રીજા નંબરે આવેલા રમેશભાઈ રબારી (પોલીસ કોન્સ્ટેબલ નલિયા)ને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં પણ પ્રથમ નંબરે આવનાર ગોસ્વામી સપનાબેનને પણ ટ્રોફી અપાઇ હતી. પોલીસ, હોમગાર્ડ, મરીન કમાન્ડોના જવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મેરેથોનમાં જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang