• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ઈન્ડોનેશિયાનાં 1000 વર્ષ જૂના મંદિરની મુલાકાતે વડાપ્રધાન

જાકાર્તા, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિવસે યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ 1000 વર્ષ જૂના આ હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક અદ્ભુત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે, ભારત હવે આ મંદિરને નવજીવન આપવા જઈ રહ્યું છે અને બંને દેશ વચ્ચે મંદિરના પુનર્નિર્માણ તથા જીર્ણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે.  મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો  સાથે મંદિર પરિસર પહોંચ્યા હતા. તેમણે વિમાનમાંથી જ મંદિરનાં ભવ્ય પરિસરનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ બંને નેતાએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ પ્રમ્બાનન મંદિરની સંરક્ષણ અને પુન:સ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો, જેને ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગનો મહત્ત્વપૂર્ણ પડાવ ગણવામાં આવી રહ્યો છે. આ પહેલાં મંગળવારે બંને દેશે મંદિરનાં સંરક્ષણ અંગે એક લેટર ઓફ ઈન્ટેન્ટ પર પણ સહમતિ દર્શાવી હતી.  મંદિરમાં મોદીએ પૂજા-અર્ચના કરી અને પરિયોજના સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન બંને દેશના રાષ્ટ્રધ્વજ લહેરાવીને મોટી સંખ્યામાં લોકોએ બંને નેતાનું સ્વાગત કર્યું હતું. પોતાની એક પોસ્ટમાં મોદીએ મંદિરમાં થયેલા મંત્રોચ્ચારનો વીડિયો શેર કરતાં લખ્યું, `ઈન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિરમાં ૐ નમ: શિવાય.'  

Panchang

dd