અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના
સંઘર્ષે હવે નિર્ણાયક વળાંક લીધો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક
ઐતિહાસિક અને આક્રમક જાહેરાત કરતા મિડલ ઈસ્ટના ભૌગોલિક સમીકરણો બદલાઈ ગયા છે.
નેતન્યાહૂએ ઈઝરાયલી સેનાને લેબનોનની અંદર લિતાની નદી સુધીના વિસ્તાર પર કબજો જમાવી
ત્યાં સ્થાયી બફર ઝોન બનાવવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, નેતન્યાહૂનો આ નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે કે ઈઝરાયલ હવે માત્ર રક્ષણાત્મક
નહીં પણ આક્રમક મૂડમાં છે. લિતાની નદી સુધીના 30 કિલોમીટરના
વિસ્તારમાં ઈઝરાયલી સેનાના પ્રવેશ સાથે હવે ઉત્તરીય સરહદ પર હિઝબુલ્લાહનો સીધો
ખતરો ટળશે. ઈઝરાયલનો હેતુ આ વિસ્તારને સંપૂર્ણપણે સશસ્ત્ર જૂથોથી મુક્ત કરી પોતાની
સુરક્ષા પરિમિતિ સ્થાપિત કરવાનો છે,
જેથી ભવિષ્યમાં કોઈ પણ જૂથ ઈઝરાયલ પર હુમલો કરવાની હિંમત ન કરી શકે.
લિતાની નદીની દક્ષિણે આવેલો આ વિસ્તાર વર્ષાથી હિઝબુલ્લાહનું મુખ્ય કેન્દ્ર રહ્યો
છે. અહીં જંગલો અને પહાડોમાં છુપાયેલી ટનલો, બંકરો અને
મિસાઈલ લોન્ચિગ પેડ્સ આવેલા છે. ઈરાને અબજો ડોલર ખર્ચીને હિઝબુલ્લાહને જે શક્તિ
આપી હતી, તે હવે ઈઝરાયલના સીધા કબજા હેઠળ આવતા ઈરાન માટે આ
એક મોટો વ્યૂહાત્મક ફટકો સાબિત થયો છે. હિઝબુલ્લાહ હવે ઈઝરાયલી સરહદથી ઘણું દૂર
ધકેલાઈ ગયું છે. લિતાની નદી ઈઝરાયલની સરહદથી આશરે 30 કિ.મી.
દૂર લેબનોનમાં વહે છે.