• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

છૂટક મોંઘવારી ત્રણ મહિનાની ટોચે

નવી દિલ્હી, તા. 12 : દેશના સામાન્ય માણસ માટે હંમેશાં માથાંનો દુ:ખાવો બની રહેલી મોંઘવારીના દરમાં પાછો વધારો આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધીને 1.33 ટકા સાથે ત્રણ મહિનાની ટોચે પહોંચી ગઈ હતી. અગાઉ, નવેમ્બરમમાં 0.71 ટકા સાથે છૂટક મોંઘવારી 14 વર્ષમાં સૌથી ઓછી થઈ ગઈ હતી, એ જ રીતે ઓક્ટોબરમાં પણ 0.25 ટકા સાથે 14 વર્ષનાં તળિયે રહી હતી. દાળ, શાકભાજી, માંસ, માછલી, ઈંડાં અને વીજળીની કિંમતોમાં વધારો થવાથી ડિસેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધી હતી, તેવું સરકારે સોમવારે જારી કરેલા આંકડા પરથી જાણવા મળ્યું હતું. ગ્રામીણ મોંઘવારી દર 0.10 ટકામાંથી વધીને 0.76 ટકા થઈ ગયો હતો, તો શહેરી મોંઘવારી દર પણ 1.40 ટકામાંથી વધીને 2.03 ટકા થઈ ગયો હતો. મોંઘવારીમાં આજના આંકડા પરથી વધારો જરૂર જોવા મળ્યો છે, પરંતુ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ની બે ટકાની ધારણા કરતાં હજુ નીચે જ છે. આખાં 2025નાં વર્ષની વાત કરીએ તો સરેરાશ છૂટક મોંઘવારી 2.2 ટકા રહી છે, જે છેલ્લા એક દાયકાના સૌથી નીચેનાં સ્તરોમાંની એક છે. ડિસેમ્બરમાં દાળ, શાકભાજી, મસાલા મોંઘા થવાની અસર હેઠળ છૂટક મોંઘવારીમાં પાછો વધારો જોવા મળ્યો હતો.

Panchang

dd