અંજાર, તા. 7 : વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ
એન્ડ નોલેજ દ્વારા કચ્છમાં પાણીની અછતવાળા
વિસ્તારોમાં જળાશયોને પુન:જીર્વિત કરવાના હેતુ સાથે જળસંચયનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો
હતો. આ અંતર્ગત અંજાર તાલુકાનાં સાપેડા ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરીનો આરંભ કરાયો હતો. તળાવ ઊંડા કરવાની
કામગીરીના પ્રારંભ વેળાએ વેલસ્પન સ્પેશિયલ ઈનિશિએટિવ્સના પ્રમુખ હરિશચંદ્ર ગુપ્તા, ગામના સરપંચ ભાનુબેન, ગામના અગ્રણીઓ અને
વેલસ્પન ફાઉન્ડેશનની ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વેલસ્પન વર્લ્ડના 40 વર્ષના વિકાસ અને સમુદાય સહભાગિતાની યાત્રાને આગળ વધારતા
ફાઉન્ડેશન ટકાઉ ગ્રામ વિકાસ અને હવામાન પ્રતિરોધક પ્રવૃત્તિઓ ઉપર સતત કાર્યરત છે. નાણાકીય વર્ષના અંતમાં 40 હજાર ઘનમીટર પાણી સંગ્રહ ક્ષમતા
વધારવા માટે ગામોનાં તળાવોને ઊંડા કરવામાં
આવશે. પરંપરાગત જળ સંસ્થાઓને પુનજીર્વિત કરવાથી લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત
થશે તેવો આશાવાદ વ્યક્ત થયો હતો અને ખાસ કરીને
કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામીણ સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિરતાને
જાળવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા આ પ્રકલ્પ ભજવશે. વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ
નોલેજ એ વેલસ્પન વર્લ્ડની સામાજિક વિકાસ શાખા છે,
જે ભારતભરમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિરણ, આજીવિકા, પર્યાવરણ
અને સમુદાય કલ્યાણનાં ક્ષેત્રોમાં કાર્ય કરે
છે, જેમાં પાયાના સ્તરેથી લોકો સાથે જોડાઈને દીર્ધકાલિન
અને ટકાઉ પરિવર્તન લાવવાનો સંસ્થાનો મુખ્ય ધ્યેય હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું
છે.