ગાંધીધામ, તા. 7 : ભુજથી ધંધુકા તરફ જતી એસ.ટી.
બસ અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાતાં બસમાં સવાર સાત જેટલા પ્રવાસીને હળવાથી ગંભીર
પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પોલીસનાં
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં ગાંધીધામ
ભચાઉ ધોરીમાર્ગ ઉપર બન્યો હતો. ભુજથી ધંધુકા જતી એસ.ટી. બસના આરોપી ચાલક હિતેશ સામતભાઈ
મકવાણાએ બસ પૂરઝડપે ચલાવી ટ્રકને ઓવરટેક કરવા જતા હતા. આ દરમિયાન બસનો ખાલી સાઇડનો
ભાગ ટ્રકની પાછળના ભાગે ટકરાયો હતો. અકસ્માતને પગલે પ્રવાસીઓએ રાડારાડ કરી મૂકી હતી, જે ટ્રક સાથે અકસ્માત થયો તે ટ્રક ઘટના સ્થળેથી
તેનો ચાલાક હંકારી ગયો હતો. બનાવના અંગે 108ની જાણ કરતાં બે એમ્બ્યુલન્સ પહોંચી આવી હતી અને ઇજાગ્રસ્તોને
સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરિયાદી કંડક્ટર ઉપરાંત સીમાબેન
કુલદીપ મોરિયા, અશોકાસિંહ જયદેવાસિંહ ઝાલા,
નારાયણભાઈ વશરામભાઈ, હનુભા લાલુભા જાડેજા,
જશુબેન જેન્તીભાઈ ચાવડા અને જયંતીભાઈ ચાવડાને માથામાં, આંખના ભાગે તેમજ ખભામાં ઇજાઓ પહોંચી હતી. પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી છે.