તેહરાન, તા. 7 : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને
પાડોશી દેશોની માફી માગતાં કહ્યું હતું કે, હવે અમે આ દેશો પર હુમલા નહીં કરીએ.ં સરકારી ટેલિવિઝન પર પ્રસારિત એક સંદેશમાં
તેમણે જણાવ્યું હતું કે, જેમના પર હુમલો થયો છે, તે પાડોશી દેશોની માફી માગવી જરૂરી છે, તેવું મને લાગે
છે. અમારો પાડોશી દેશો પર હુમલા કરવાનો કોઈ ઈરાદો નથી, અમે શાંતિ
અને સંપ સ્થાપવા માટે ક્ષેત્રમાં સહયોગની અપીલ કરીએ છીએ, તેવું
ઈરાની રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. પેઝેશ્કિયાને એવો પણ સંદેશ આપ્યો હતો કે,
આ મોકાનો ફાયદો ઉઠાવીને ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે,
તેવા દેશોએ સામ્રાજ્યવાદની કઠપૂતળી બનવું ન જોઈએ. તેમણે કહ્યું હતું
કે, ઈઝરાયલ, અમેરિકાનું સમર્થન કરવું એ
ઈજ્જત અને આઝાદીનો માર્ગ નથી, તેવું સૌએ સમજવું જોઈએ. અગાઉ,
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને તેમના દેશના
વિવિધ ઠેકાણાં, તેલ મથકો પર મિસાઈલ હુમલા બાદ ઈરાનને ખોટાં મૂલ્યાંકનથી
બચવાની ચેતવણી આપી હતી.