અમદાવાદ, તા. 7 : દેશભરના ક્રિકેટપ્રેમીઓની નજર
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રહેશે. આઠમી માર્ચે આઇસીસી મેન્સ ટી-20 વિશ્વકપ 2026ની ફાઇનલમાં મજબૂત ન્યૂઝીલેન્ડને
હરાવીને વર્લ્ડકપ જાળવી રાખવાના અને ઈતિહાસ રચવાના ઈરાદે ટીમ ઈન્ડિયા ઊતરશે. ભારતના
બેટર્સ ફોર્મમાં, પણ બોલરોનો
દેખાવ ચિંતાજનક છે, ત્યારે કાલે કોઈ ફેરફાર થાય છે કે કેમ એ જોવાનું
છે. આ મેચમાં ઈતિહાસ બનવો નિશ્ચિત છે. જો ભારત મેચ જીતશે તો તે ટી-20 વિશ્વકપ ઈતિહાસમાં ત્રીજો ખિતાબ
જીતનારી અને સતત બે વખત ટ્રોફી ઉપાડનારી પહેલી ટીમ બની જશે, જ્યારે ન્યૂઝીલેન્ડ જીતશે તો તે ટી-20 વિશ્વકપ જીતનારી સાતમી ટીમ
બનશે. સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ
ક્રિકેટ ઈતિહાસની એવી પહેલી ટીમ્સ બનશે જે
આઈસીસી ટૂર્નામેન્ટના ત્રણેય ફોર્મેટના ફાઇનલનમાં એકબીજા સામે ટકરાઈ છે. ભારતે વિશ્વકપના
ગ્રુપ સ્ટેજમાં ચારેય મુકાબલા જીત્યા હતા. જો કે,
સુપર-8માં દક્ષિણ
આફ્રિકા સામે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ ભારતીય ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ
ઇન્ડિઝને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. સેમિફાઇનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાનીની
ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને સાત રને હરાવીને
ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતને લાભ થાય એ માટે પીચમાં લાલ માટીનું પ્રમાણ વધારાયું
હોવાનો દાવો થઈ રહ્યો છે, ત્યારે મેચમાં
બેટર્સને વધુ લાભ થાય તેવી શક્યતા છે. ન્યૂઝીલેન્ડ લીગ સ્ટેજ દરમિયાન ગ્રુપમાં દક્ષિણ
આફ્રિકા બાદ બીજાં સ્થાને રહ્યું હતું. પછી સુપર-8માં પાકિસ્તાન સામેની મેચ વરસાદમાં ધોવાઈ
હતી. ઇંગ્લેન્ડ સામે પણ હાર મળી હતી. જો કે, શ્રીલંકા સામેની મોટી જીતે સેમિફાઇનલનો રસ્તો સરળ કર્યો હતો. સેમિફાઇનલમાં
ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને સરળતાથી હરાવી દીધું હતું. આમ જોવામાં આવે તો ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ભારતનું
પલડું ન્યૂઝીલેન્ડ ઉપર ભારે રહ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં
30 ટી-20 મુકાબલા રમાયા છે, જેમાં ભારતે 18માં જીત મેળવી છે અને ન્યૂઝીલેન્ડે 11 મેચ જીતી છે. એક મુકાબલો ટાઈ
થયો છે. ટી-20 વિશ્વકપની તસવીર એકદમ અલગ છે.
ટી-20 વિશ્વકપમાં હજી સુધી ભારત ન્યૂઝીલેન્ડને
હરાવી શક્યું નથી. ન્યૂઝીલેન્ડે ટી-20 વિશ્વકપમાં ત્રણ વખત ભારતને હરાવ્યું છે. આઈસીસી ટૂર્નામેન્ટ્સની
ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ચોથી વખત ટકરાઈ રહ્યા છે. આ પહેલાં ત્રણ મેચ રમાઈ, તેમાં ભારતે એક અને ન્યૂઝીલેન્ડે ચાર મેચમાં
જીત મેળવી છે.