નવી દિલ્હી, તા. 8 : રાષ્ટ્રપતિની
મંજૂરી બાદ કાયદો બની ગયેલા વકફ (સુધારા) અધિનિયમ,
2025ની મંગળવારથી જ દેશભરમાં અમલવારી
કરવા સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જો કે,
વક્ફ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કુલ 10થી વધુ અરજી દાખલ કરાઈ છે, જેમાં રાજકારણીઓ, ઓલ ઈન્ડિયા
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલેમા-એ-હિંદ સહિતની અરજીઓનો સમાવેશ થાય છે,
જેમાં નવા બનેલા કાયદાની માન્યતાને પડકારવામાં આવી છે, જેના પર સુપ્રીમ કોર્ટ 15મીએ સુનાવણી કરશે તેવી શક્યતા વચ્ચે કેન્દ્ર
સરકારે સુપ્રીમમાં એક કેવિયેટ (કોઈ કેસમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા સામે કોઈ આદેશ પસાર
થાય તે પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પૂરી પાડે છે, જેથી એકતરફી નિર્ણય ન લેવાય.) દાખલ કરી અરજીઓ
પર કોઈપણ આદેશ આપતા પહેલાં તેની સુનાવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સમાચાર એજન્સી
પીટીઆઈના જણાવ્યા મુજબ, ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં પક્ષ
દ્વારા કેવિએટ દાખલ કરવામાં આવી છે, જેથી સુનાવણી વિના કોઈ આદેશ
પસાર ન થાય તેની ખાતરી કરી શકાય. લઘુમતી બાબતોના મંત્રાલયે જારી કરેલી સૂચનામાં જણાવાયું
હતું કે, વકફ (સુધારા) અધિનિયમ, 2025 (2025નો 14)ની કલમ 1ની પેટા-કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો
ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી 8મી એપ્રિલ, 2025ના દિવસને
તે તારીખ તરીકે નિયુક્ત કરે છે જ્યારે ઉપરોક્ત કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે.